જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાઇન ફ્લુની સાથે સાથે મચ્છરજન્ય ડેન્ગ્યુનાં કેસોમાં ગરમી ઘટના સાથે ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે કલોલનાં મટવાકુવા વિસ્તારમાં અપુરતી સફાઇનાં કારણે મચ્છરોનો ત્રાસ વધતા ડેન્ગ્યુનાં ૩ કેસો સામે આવતા મેલેરીયા વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ સાથે ફોગીંગ શરૂ કરી દેવાયુ છે.
નાગરીકોને પણ આ દિશામાં જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાયણસ રાંદેસણ વિસ્તારમાં પણ છુટા છવાયા કેસો મળતા સઘન સર્વેલન્સ શરૂ કરાયુ છે. જિલ્લામાં જુલાઇ-ઓગષ્ટનાં દિવસોમાં સતત વાદળછાયા વાતાવરણનાં કારણે ભેજ વધતા મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો હતો. ત્યારે જિલ્લા આરોગ્યની મેલેરીયા શાખા દ્વારા ઉપરા છાપરી હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ રાખીને મચ્છરોનાં બ્રીંડીગનો નાશ, દવાનો છંટકાવ, એન્ટી લારવા ફીશ મુકવાની તથા શંકાસ્પદ કેસો શોધીને લેબમાં મોકલવાની કાર્યવાહી સતત ચાલુ રાખી હતી. ત્યારે સામાન્ય તાવનાં કેસો મળયા હતા. સપ્ટેમ્બરની મધ્યથી તડકા શરૂ થઇ જતા મચ્છરોનો ઉપદ્રવ ઘટી ગયો હતો. પરંતુ ફરી મચ્છરો વધી રહ્યા છે.
કુડાસણમાંથી સૌ પ્રથમ કેસો મળ્યા બાદ સતત કાળજી રાખતા સ્થિતી સુધરી છે. પરંતુ સામે રાયસણ તથા રાંદેસણ વિસ્તારમાં કેસો મળતો સોસાયટીઓમાં સર્વેલન્સ શરૂ કરાયુ છે. કલોલનાં મટવાકુવા વિસ્તારમાંથી તાજેતરમાં જુદા જુદા સમયે ડેન્ગ્યુનાં ૩ કેસો સામે આવતા તંત્ર દ્વારા ફોગીંગ સહિતની કાર્યવાહી કરીને નાગરીકોને પાણી ભરાય અને મચ્છર ઉત્પન કરે તેવા સ્થળોનો નાશ કરવા, પક્ષીનાં પાણીના કુંડા સ્વચ્છ રાખવા સલાહ અપાઈ છે.