નોટબંધી-જીએસટીથી નાના ઉદ્યોગકારોને ફટકો

712
guj9112017-4.jpg

નોટબંધીના એક વર્ષ પૂર્ણ થયા નિમિતની પહેલી વરસીએ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર એવા સુરતની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ નોટબંધીના એક વર્ષ પૂર્ણ થયા બાદની સ્થિતિ અને જીએસટી પછીની તાજી સ્થિતિનો સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા કાપડના યુનિટો અને હીરાના કારખાનાઓમાં રૂબરૂ જઇ વાસ્તિવક તાગ મેળવ્યો હતો. રાહુલ ગાંધીએ ઉદ્યોગકારો, કારખાનેદારો સહિતના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી સાચુ ચિત્ર જાણ્યા બાદ જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીએ નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને ખતમ કરી નાંખ્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નોટબંધી અને જીએસટીથી કલ્પી ના શકાય તે હદે ભયંકર નુકસાન થયું છે. દેશ અને દેશના લોકોની આ દુર્દશા માટે મોદી સરકાર જવાબદાર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, દેશવાસીઓના હિતમાં જીએસટીમાં સુધારા માટે હું સતત લડતો રહીશ. રાહુલ ગાંધીએ આજે સુરતના વિવિધ વિસ્તારોમાં પાવરલુમ્સ, એમ્બ્રોઇડરી, કાપડના ડાઇંગ યુનિટ અને હીરાના કારખાનાઓ સહિતના એકમોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક વેપારીઓ, ઉદ્યોગકારો અને કારખાનેદારો સાથે વાતચીત કરી નોટબંધી અને જીએસટીને લઇ વર્તાયેલી અસરો અને તેના પરિણામોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. રાહુલ ગાંધીએ નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને કારખાનેદારોની કફોડી હાલત જોઇ ભારે સંવેદનશીલતા વ્યકત કરી હતી અને મોદી સરકાર તેમજ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું  હતું કે, મોદી સરકાર દ્વારા ઝીંકાયેલા નોટબંધી અને જીએસટીના મનસ્વી નિર્ણયના કારણે નાના વેપારીઓ અને ઉદ્યોગકારો બરબાદ થઇ ગયા છે. પાંચ લેયરનું જીએસટી માળખું કોઇપણ પ્રકારે ચાલી શકે નહી, ૨૮ ટકા જેટલો ઉંચો જીએસટી અસહનીય અને અવ્યવહારૂ છે. કોંગ્રેસે સૂચવેલા ફોર્મ્યુલા મુજબ, જીએસટી ૧૮ ટકાથી કોઇપણ રીતે વધવો જોઇએ નહી. જીએસટીમાં સુધારાઓ કરવા અનિવાર્ય છે અને કરવા જ પડશે. સુરતના વેપારીઓએ જીએસટી સામે લડત ઉપાડી ત્યારે પોલીસ દ્વારા સરકારના ઇશારે તેમને ડરાવી-ધમકાવી બેસાડી દેવામાં આવ્યા અને તેમની રજૂઆત સાંભળવા સુધ્ધાંમાં ના આવી. નોટબંધી અને જીએસટીએ નાના વેપારીઓ, દુકાનદારો, નાના ઉદ્યોગકારોના પગ કાપી નાંખ્યા. જીએસટીમાં સુધારા માટે મારી લડત ચાલુ રહેશે.

Previous articleરાહુલનો અનોખો અંદાજ : કારખાનામાં હીરા ઘસી ખમણ ખાધા
Next articleરાજ્યની સ્કૂલોમાં સીસીટીવી ફરજિયાત