પાટનગરમાં ૫૦ માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિકના વપરાશ, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે, પરંતુ કાયદાનો ખરા અર્થમાં અમલ થયો નથી. વેપારીઓ અમલ કરતા નથી અને તંત્ર અમલ કરાવતું નથી. જ્યારે પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે ત્યારે દરેક વખતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડાયા વગર રહેતો નથી.
રવિવારે મહાપાલિકાની ટીમ દ્વારા મુખ્ય વાણિજ્ય વિસ્તારોમાં વેપારીઓને ત્યાં અને શાક માર્કેટમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ૧૩૬ કિલો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક વિરોધી દળના ઇન્ચાર્જ અધિકારી અને ટીમ દ્વારા રજાના દિવસે તપાસ યોજવામાં આવી હતી. સેક્ટર ૨૧માં આવેલા ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં અશોક પાન પાર્લરમાંથી ૩૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થા મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો.