ગાંધીનગરની છેલ્લા પાંચ વર્ષની સિઝન ઉપર નજર કરીએ તો, દિવાળી બાદ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ વધે છે અને ત્યાર બાદ ગ્રામ્યવિસ્તારમાં પણ દિવસે કરડતા આ મચ્છરોનું જોર વધે છે જેના કારણે ગ્રામ્યવિસ્તારમાં પણ આ મચ્છરજન્ય રોગના દર્દીઓ વધે છે. ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયાના કેસમાં હાલ ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે તો બીજીબાજુ ચિકનગુનીયાના કેસ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં તંત્ર દ્વારા એન્ટી લારવા અને ફોગીંગ સહિતની કામગીરી પણ શરૃ કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી દહેશતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા હતા. જેને લઇને આ વખતે ગાંધીનગર જિલ્લામાં મેલેરિયાના કેસ અંકુશમાં રહ્યા છે એટલુ જ નહીં, મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળ્યો નથી કે વાહકજન્ય બિમારીથી કોઇ મૃત્યું પણ થયું નથી ત્યારે ગાંધીનગરના છેલ્લા પાંચ વર્ષના આંકડા ઉપર નજર કરીએ તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, દિવાળી બાદ ગાંધીનગર શહેરમાં અને ત્યાર બાદ તબક્કાવાર ગ્રામ્યવિસ્તારમાં ડેનગ્યુના દર્દીઓ વધે છે.ત્યારે અત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં થઇને રોજના પાંચ જેટલા ડેન્ગ્યુના દર્દીઓ મળી આવે છે. તો મેલેરિયાના કેસ પણ છુટા છવાયા દેખાય છે. ગાંધીનગર સિવિલના સાપ્તાહિક રીપોર્ટના આધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, રોજના ત્રણથી ચાર મેલેરિયાના કેસ પણ મળી આવે છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી ચીકનગુનિયાના પાંચ જેટલા દર્દીઓ મળી આવ્યા છે જેને લઇને આરોગ્ય તંત્ર દ્વારા ખાસ કામગીરી હાલ કરવામાં આવી રહી છે. પોઝિટિવ દર્દીની આસપાસના વિસ્તારમાં ફોગીંગ સહિત સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા એક જ અઠવાડિયાના આંકડાઓ ઉપર નજર કરીએ તો, તા.૩૦ ઓક્ટોબરથી તા.પાંચ નવેમ્બર દરમિયાનના સાત દિવસોમાં કુલ ૧૮ દર્દીઓ ડેન્ગ્યુના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે મેલેરિયાના ઘટીને ૧૪ જેટલા દર્દીઓ રહ્યા છે. જ્યારે ચીકનગુનિયાના જિલ્લમાંથી ત્રણ તથા શહેરી વિસ્તામાંથી બે મળી કુલ પાંચ કેસ છેલ્લા અઠવાડિયમાં મળી આવ્યા છે.
સામાન્ય રીતે મચ્છરજન્ય રોગચાળો ચોમાસા દરમિયાન વધારે જોવા મળતો હોય છે. ઠેર ઠેર પાણીના ખાબોચિયા અને તળાવોમાં, વરસાદી પાણીનો ભરાવો સહિતની જગ્યાઓમા મચ્છરો બ્રિડીંગ કરતા હોય છે. સ્વભાવિક છેકે મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. પરંતુ હાલમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઇ રહી છે. તેવા સમયમાં સિવિલમાં ૩૦ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન ૧૮ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૪ કેસ મેલેરીયા જેમાં ૩ કેસ ઝેરી મેલેરીયા અને ૧૧ કેસ સાદા મેલેરીયાના સામે આવ્યા છે.ચિકનગુનિયા, ટાઇફોઇડના ૨ કેસ, કમળાના ૯ કેસ સામે આવ્યા છે. તમામ દર્દીઓને સારવાર કરવામા આવી હતી.