આસામમાં વર્ષ ૧૯૯૪માં પાંચ યુવાનોના બનાવટી એન્કાઉન્ટર મામલામાં આર્મી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે. જેના ભાગરૂપે સાત સૈન્ય કર્મચારીઓને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે. સજા મેળવનારમાં એક પૂર્વ મેજર જનરલ, બે કર્નલ અને ચાર અન્ય સૈનિકો સામેલ છે. આ ચુકાદો આસામના ડિબ્રુગઢ જિલ્લામાં ડિંજન સ્થિત બે ઇન્ફેન્ટરી માઉન્ટેન ડિવીઝનમાં થયેલા કોર્ટ માર્શલમાં આપવામાં આવ્યો હતો.
અલબત્ત ઉચ્ચ સ્તર પર આ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યુ નથી. સુત્રોએ કહ્યુ છે કે આની સત્તાવાર જાહેરાત થવામાં હજુ સમય લાગી શકે છે. જે સાત લોકોને દોષિત ઠેરવી દેવામાં આવ્યા છે તેમાં મેજર જનરલ એકે લાલનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેજર જનરલ લાલને લેહ સ્થિત ત્રણ ઇન્ફેન્ટરી ડિવિઝનના કમાન્ડર પદેથી ૨૦૦૭માં એ વખતે દુર કરી દેવામાં આવ્યા હતા જ્યારે એક મહિલા અધિકારીએ તેમની સામે જાતિય સતામણીના આરોપો કર્યા હતા. સાથે સાથે ખરાબ વર્તન કરવાનો પણ તેમની સામે આરોપ થયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૦માં તેમને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા બાદ સેવામાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા. જો કે આર્મ્ડ ફોર્સેજ ટ્રાઇબ્યુનલ દ્વારા તેમના રિટાયરમેન્ટ લાભને સ્થાપિત કરી દીધા હતા. નવો કોર્ટ માર્શલનો ચુકાદો પાંચ યુવાનોની હત્યાના મામલે આવ્યો છે. આ પાંચ કાર્યકરોને પંજાબ રેજિમેન્ટસની એક યુનિટે ચાર અન્ય લોકોની સાથે ૧૪મી ફેબ્રુઆરીથી ૧૯મી ફેબ્રુઆરી ૧૯૯૪ વચ્ચે ઉઠાવી લીધા હતા. તિનસુકિયા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી તેમને ઉઠાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલામાં ભારે હોબાળો થયા બાદ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો. એકપછી એક વિગતો ધીમે ધીમે ખુલવા લાગી ગઇ હતી. આ બનાવમાં સજા સેનાને પણ એક મોટો ફટકો છે.