મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદથી આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં તમામ તાકાત લગાવી દીધી છે. કેન્દ્ર અને પ્રદેશની સરકાર ઉપર પ્રહાર કરવાની કોઇ તક રાહુલ ગુમાવી રહ્યા નથી. આજે મધ્યપ્રદેશમાં દતિયામાં રાહુલ ગાંધીએ રેલી કરી હતી અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. રેલી દરમિયાન રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભારતના સૌથી અમીર ૧૫થી ૨૦ ઉદ્યોગપતિઓના ત્રણ લાખ ૫૦૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે.
આ આંકડા તેમના નથી બલ્કે સરકારના મંત્રીએ પોતે આપ્યા છે. રાહુલે મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ૭૦ વર્ષથી વિમાન બનાવતી કંપની એચએએલને યુપીએ સરકારને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ કોન્ટ્રાક્ટ એચએએલ પાસેથી લઇને અનિલ અંબાણીને આપી દીધો છે. એચએએલ એક રાફેલ વિમાન ૫૨૬ કરોડમાં આપી રહ્યું હતું જ્યારે અંબાણી પાસેથી એક રાફેલ ૧૬૦૦ કરોડ રૂપિયામાં મેળવવા માટે સમજૂતી કરવામાં આવી છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ અંબાણીને વડાપ્રધાન મોદીએ પોતે આપ્યો હતો. રાહુલે પ્રચાર દરમિયાન અનેક મોટા વચનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો ૧૦ દિવસની અંદર ખેડૂતોની લોન માફી કરવામાં આવશે. લોન માફી માટે ૧૧મો દિવસ થશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, દરેક ખેડૂતના ખેતરની પાસે ફુડ પ્રોસેસિંગ યુનિટ બનાવવામાં આવશે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ૨૪ કલાક પૈકી ૧૮ કલાક માત્ર યુવાનોની રોજગારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રચાર દરમિયાન રાહુલે એક મોટી ચૂક કરી હતી.
દતિયામાં સંબોધન દરમિયાન રાહુલે ચુક કરતા કહ્યું હતું કે, ૩૫૦૦૦ કરોડ રૂપિયા લઇને ભાગતા પહેલા નિરવ મોદી અરુણ જેટલીને મળ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, નાણામંત્રી સાથે વાતચીત કર્યા બાદ જ તે ફરાર થયો હતો. નિરવ મોદીએ એમ પણ કહ્યું હતું કે, તે લંડન જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે, જ્યારે સૂચના આપી ત્યારે જેટલીએ તેમની ધરપકડ માટેના આદેશો કેમ જારી કર્યા ન હતા. જેટલીની મુલાકાતના જે ચર્ચાનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે વિજય માલ્યા સાથે સંબંધિત મામલો છે. દેશ છોડતા પહેલા વિજય માલ્યાએ અરુણ જેટલી સાથે સંસદ સંકુલમાં વાતચીત કરી હતી. આ મામલા પર સંસદની અંદર અને બહાર જોરદાર હોબાળો થયો હતો. મોડેથી જેટલીએ કબૂલાત કરી હતી કે, તેમની માલ્યા સાથે મુલાકાત થઇ હતી પરંતુ સાંસદ તરીકે માલ્યા સાથે અનૌપચારિક મુલાકાત થઇ હતી. રેલી દરમિયાન કોંગ્રેસ ભાજપ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં તમામ તાકાત લગાવી ચુક્યા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી સત્તાથી દૂર છે. સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીએ એક પછી એક વચનો આપવાનો સિલસિલો જારી રાખ્યો છે. રાહુલે આજે વધુ કેટલાક વચનો આપ્યા હતા.