પ્રશાંત કિશોર જેડીયુ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્ત કરાયા

814

તાજેતરમાં જેડીયુમાં સામેલ થઈને પોતાનો નવો રાજકીય દાવ શરૂ કરનારા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર હવે તેમની પાર્ટીમાં દ્વિતિય ક્રમાંકના ટોચના નેતાના પદે પહોંચી ગયા છે. જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પ્રશાંત કિશોરને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્ત કર્યા છે. પ્રશાંત કિશોર ૧૬મી સપ્ટેમ્બરે પટનામાં યોજાયેલી જેડીયુની રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ થયા હતા અને અહીં તેમણે પોતાની રાજકીય કારકિર્દીની નવી શરૂઆત કરી હતી. માનવામાં આવતું હતું કે તેમને થોડાક દિવસોમાં જેડીયુમાં મોટા પદ પર નિયુક્ત કરવામાં આવશે.

એક માસની અંદર જ પ્રશાંત કિશોરને જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર નરેન્દ્ર મોદીના ખાસ ચૂંટણી વ્યૂહરચનાકાર હતા અને કેન્દ્રમાં ત્રણ દશકાઓ બાદ ભાજપ તરીકે કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવા પાછળ પીકે તરીકે જાણીતા પ્રશાંત કિશોરની મોટી ભૂમિકા માનવામાં આવે છે. ૨૦૧૪ બાદ રાજકીય વર્તુળોમાં તેઓ ખૂબ ઝડપથી ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

પડદા પાછળ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની જીતની પટકથા લખનારા પ્રશાંત કિશોર થોડાક સમયમાં જ જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારની નજીક આવવા લાગ્યા હતા. ૨૦૧૫માં તેમણે બિહારમાં જેડીયુ માટે ચૂંટણીની વ્યૂહરચના તૈયારી કરી હતી. અહીં પણ તેઓ સફળ રહ્યા હતા. ૨૦૧૫માં બિહારમાં જેડીયુ-આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનને મોટી જીત પ્રાપ્ત થઈ હતી.

Previous articleનોટબંધી : બિનહિસાબી નાણાં જમા કરનારા સામે તપાસ શરૂ
Next articleલાહોરના મહારાજાએ ઇંગ્લેન્ડની મહારાણીને દબાણમાં આપ્યો હતો કોહિનૂર : ખુલાસો