કેસર માટે જાણીતા કાશ્મીરમાં કેસરની ખેતી અને ઉત્પાદન ઘટતું જાય છે. સરકારી આંકડા મુજબ ૨૦૧૬-૧૭માં રાજયમાં કેસરનું કુલ ઉત્પાદન ૧૬.૪૫ મેટ્રીક ટન હતું જે ઘટીને ૫.૨ મેટ્રીક ટન થયું છે.૧૯૯૦માં ૭ હજાર હેકટરમાં કેસરની ખેતી થતી હતી જે હવે ઘટીને ૩૭૦૦ હેકટર રહી ગઇ છે. આમ છેલ્લા ૨૦ વર્ષમાં કેસરની ખેતીમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ કાશ્મીરના પુલવામાં જિલ્લાના પંપોરમાં સૌથી વધુ કેસર ઉગાડવામાં આવતું હતું. આજે ત્યાંના ઘણા ખેડૂતોએ કેસરની ખેતી છોેડી જમીન વેચી દીધી છે. ભૂમાફિયાઓ બમણા ભાવની લાલચ આપી જમીન ખરીદવા લાગ્યા છે. પંપોર રહેવા માટે સારું સ્થળ હોવાથી બિલ્ડરોની નજર બગડી છે. કાશ્મીરની ઓળખ ગણાતા કેસરના પાકને બચાવવા સરકારે ૨૦૧૩માં નેશનલ સેફ્રોેન મિશન શરુ કર્યું હતું. જેમાં બીજ સુધારણા, માર્કેટિંગ તથા સરકારી મદદ કરવાનું સામેલ હતું પરંતુ પરીણામ શૂન્ય મળ્યું છે. ૨૦૧૪ અને ૨૦૧૬માં પૂરની સ્થિતિએ પણ મિશનને ફેલ બનાવી દીધું હતું.૧૯૯૯થી કાશ્મીરમાં વરસાદની બદલાયેલી પેર્ટન પણ જવાબદાર છે.
એક સમયે કાશ્મીરમાં કોગ તરીકે ઓળખાતા કેસરને માર્ચ-એપ્રિલ તથા ઉનાળામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરનો ૮૦ મીમી જેટલો વરસાદ અનૂકુળ રહેતો હતો. જયારે હવે વરસાદ અનિયમિત અને ઓછોવતો રહે છે. ૧૬૦ મીમી જેટલો ભારે વરસાદ કેસરના પાકને નુકસાન કરે છે. જો કે આનાથી વિપરીત વરસાદ ના પડે તેવા સંજોગોમાં પણ ઉત્પાદન ઘટી જાય છે, ગત વર્ષે સારો વરસાદ નહી થવાથી કેસરના ઉત્પાદન પર અસર થઇ છે.