ભારતીય ખેલાડીઓને એસજી બોલ પર મુશ્કેલી કેમ પડી રહી છે : અઝહરૂદ્દીન

942

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન વિન્ડીઝ ટીમના ખરાબ પ્રદર્શનની સાથે ભારતમાં યોજાતી મેચ વખતે ઉપયોગમાં લેવાતા એસજી બોલની ચર્ચા રહી હતી. પહેલાં અશ્વિને એસજી બોલનો વિરોધ કર્યો અને તે પછી વિરાટ કહોલી અને ઉમેશ યાદવે પણ આ બોલના ઉપયોગ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કદાચ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું છે કે, એસજી બોલની વિરુદ્ધ ક્રિકેટરોએ આ રીતે પોતાના મત વ્યક્ત કર્યા હોય. દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અઝહરે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, ભારતીય ખેલાડીઓને આ બોલ અંગે કેમ મુશ્કેલી પડી રહી છે.

અઝહરે કહ્યું કે, મને સમજાતું નથી કે, ખેલાડીઓ કેમ ડયૂક બોલની ભલામણ કરી રહ્યા છે. મને યાદ છે કે, ૧૯૮૪-૮૫માં ડયૂક બોલનો ઉપયોગ થતો હતો અને તેની સીમ ખરાબ થઈ જતી હતી. ભારતીય કન્ડિશનમાં તે કામ કરી શકતી નથી. ૧૯૯૩-૯૪માં એસજીનો બોલ ઉપયોગ કરવાનું શરૃ કર્યું હતું અને ભારતને તેના ઘરમાં પરાજય આપવો મુશ્કેલ થઈ ગયો છે. અલગ-અલદ દેશોના બોલરોનો તેમના ઘરમાં અલગ-અલગ બોલ અને કન્ડિશન્સની સાથે પ્રદર્શન જોવામાં આવે તો સમગ્ર વાત સ્પષ્ટ થઈ જશે.

અઝહરે કહ્યું કે, જ્યારે આપણી ટીમ ઓસ્ટ્રેલિયા જાય છે ત્યારે આપણા સ્પિનર્સ કૂકાબુરા બોલ પર ગ્રિપ પણ બનાવી શકતા નથી. ઇંગ્લેન્ડમાં શું થયું? અશ્વિન અને મોઇનઅલી વચ્ચેની બોલિંગનો ફરક જોઈ લો. અઝહરે ઉમેશ અને કુલદીપને આડેહાથ લેતાં કહ્યું કે, જો કોઈ બોલર ૧૦ વિકેટ ઝડપવા છતાં બોલની ફરિયાદ કરે તો તેનો મતલબ એ છે કે, કોઈ બેટ્‌સમેન સદી ફટકાર્યા બાદ વિકેટની ફરિયાદ કરે છે.

Previous articleવર્લ્ડકપની ઘટનાને યાદ કરી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો શ્રીસંત…!!
Next articleસરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા ડૉ. ભરતભાઇ બોઘરા