ગ્રીનસીટી સંસ્થા છેલ્લા કેટલાય વર્ષોથી ભાવનગર શહેરને હરિયાળી ગ્રીનસીટી બનાવવા કટીબધ્ધ છે અને ગ્રીનસીટી દ્વારા છેલ્લા સાત વર્ષોમાં દર વર્ષે ૧૧૦૦ લેખે અત્યાર સુધીમાં કુલ ૭૭૦૦ જેટલા વૃક્ષો ટ્રી-ગાર્ડ સાથે ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષરોપણ કરી ચુકયું છે. અને તેનું ખુબ જ કાળજીપુર્વક ઉછેર ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ કરી રહ્યા છે. દિવસે દિવસે દરિયાઈ ખારાશ પેટાળમાં આગળને આગળ વધી રહી છે. અને મીઠા પાણીના સ્ત્રોત ખારા બની રહ્યા છે. ત્યારે મેનગ્રુવ્યસના વૃક્ષ દરિયાઈ ખારાશને રોકવાનું ઉત્તમ કાર્ય કરે છે. મેનગ્રુવ્સના વૃક્ષોનું વૃક્ષારોપણ દરિયાઈ પટ્ટીના ગામોમાં ખુબ જ જરૂરી છે. ત્યારે ગ્રીનસીટી સંસ્થા દ્વારા આગામી વર્ષોમાં મોટાપાયે આ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાને સ્પર્શતા તમામ દરિયા કિનારાને આ વૃક્ષોથી સજજ કરવાનું લંબાગાળાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપતા ગ્રીનસીટી સંસ્થાના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં અમો લાકડીયા પુલની બંને બાજુએ અને ઘોઘા-દહેજ ટર્મીનલની બંને બાજુએ આ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે. અમારા માટે આ અલગ ભાતનું વૃક્ષારોપણ છે. એટલે સફળતા મળ્યા બાદ અમો વધુ વસ્તારોને આવરી લઈશું. મેનગ્રુવ્સને ગુજરાતમાં ચેર-તવેર કહેવામાં આવે છે, ખેતીની જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા અને પાણીના સ્ત્રોતને ખારા થતા રોકવા આ વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. મેનગ્રુવ્સનું લાકડુ સદીઓથી બળતણ તરીકે વપરાતું આવ્યું છે.
મેનગ્રુવ્સના પાનનો ઉપયોગ પ્રાણીઓના ચાર તરીકે પણ થઈ શકે છે. ગુજરાતમાં ગરીબોનું સૌથી સસ્તુ ઈંધણ મેનગ્રુવ્સ છે જેને લોકો તમ્મર તરીકે પણ ઓળખે છે. મેનગ્રુવ્સ અતિ ઉપયોગી સમુદ્રી વનસ્પતિ છે તેનું વ્યવસ્થિત રીતે પ્લાન્ટેશન કરવું ખુબ જ જરૂરી છે. વધુમાં દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે અમો વૃક્ષોના બીઝ રોપવાને બદલે આ વૃક્ષના બે – થી ત્રણ ફુટના રોપાઓનું જ વૃક્ષારોપણ કરીશું. જેથી સફળતાની ટકાવારી ઉંચી રહે. આ વૃક્ષોનો દરિયાઈ પાણીથી જ ઉછેર થાય છે. જેથી કરીને આ વૃક્ષોને અલગણી પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવાની જરૂર રહેતી નથી. અમારા માટે આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. કારણ કે વૃક્ષોને નિયમિત રીતે પાણી પાઈને ઉછેરવા એ સૌથી કઠીન કાર્ય છે. પ્રારંભિક તબક્કામાં લાકડીયા પુલની બંને બાજુએ ૧૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ છે. આમારા માટે નવું છે તેથી સફળતા મળ્યા બાદ દર વર્ષે ૧૧૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં કરવાનું અમો વિચારી રહ્યા છીએ. દેવેનભાઈએ જણાવ્યું હતું કે આ ભગીરથ કાર્ય માટે અમોને આશા છે કે ભાવનગરના જુદા જુદા ઉદ્યોગપતિઓનો અમોને સહકાર મળશે. જ. હાલની ગ્લોબલ વોર્મિંગ ખતરનાક અસરોને જોતા પર્યાવરણ બચાવવા એક પણ ઉપાય છોડવા ન જોઈએ એમ મારૂ અંગત માનવું છે. કચછ-ભુજમાં આસો મહિનામાં ૪ર ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે જે એક આગામી સમય માટે ખતરાની ઘંટી સમાન છે. લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવા દેવેનભાઈએ અપીલ કરી હતી.