ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક ગામનો કરૂણ અને હૃદયદ્રાવક ઘટના ઘટવા પામી છે. જેમાં એક શ્રમજીવી પરિવારની મહિલાએ ગરીબી અંધશ્રધ્ધા તથા માનસિક બિમારીથી કંટાળી જઈ ફુલ જેવા માસુમ સંતાનોને કુવામાં ફેંકી પોતે પણ ઝંપલાવી આપઘાતની કોશિષ કરતા ૪ માસુમ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે તળાજા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રત્યેક લોકોની સામાજીક સંવેદનાને હચમચાવી મુકતી આ ઘટના અંગે વાસ્તવિક્તા એ છે કે, મુળ તળાજા તાલુકાના ઝાંઝમેર ગામના વતની અને હાલ રોયલ ગામે એક વાડીમાં ખેતમજુર કરતા ધરમશીભાઈ રામભાઈ ભાલીયાના લગ્ન અલગ-અલગ ત્રણ મહિલાઓ સાથે થયા હતા પરંતુ કોઈ કારણોસર લગ્નજીવન બરાબર ન ચાલતા ધરમશીભાઈએ ચોથા લગ્ન ગીતાબેન નામની મહિલા સાથે કર્યા હતા અને તેમને લગ્નજીવન થકી પાંચ સંતાનોની પ્રાપ્તી થઈ હતી. જેમાં ત્રણ દિકરા અને બે દિકરીઓનો સમાવેશ થાય છે. આ પરિવાર રોયલ ગામે ખેડૂત નરશીભાઈ ગાંગાણીની વાડીમાં મજુરી કરી પોતાનો જીવન નિર્વાહ મહામહેનતે ચલાવતા હતા. આ લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય જેમાં બે વર્ષ પૂર્વે ધરમશીભાઈની પત્નીને કોઈ બિમારી લાગુ પડી હતી અને તેમને સતત ભૂતપ્રેતનો અહેસાસ થવા સાથે આ પ્રેતાત્માઓ સતત હેરાન-પરેશાન કરી રહ્યાં હોવાની ફરિયાદો કરતા હતા. બે વર્ષ દરમ્યાન ધરમશીભાઈએ કઈ કેટલીય દવાઓ, ભુવા, ભરાડી તાંત્રિકો પાસે ઈલાજ કરાવ્યો અને પૈસા ખર્ચ્યા પરંતુ કોઈ જ રાહત થવા પામી ન હતી. આથી સમગ્ર પરિવાર આર્થિક-માનસિક રીતે પડી ભાંગ્યો હતો. કેટલીક વાર ઘરમાં અનાજનો એક દાણો પણ ન હોય બાળકોને ભુખ્યા સુઈ રહેવું પડે તેવી દયનિય સ્થિતિમાં હોય આ બાબતથી કંટાળેલ ગીતાબેને મનોમન આપઘાતનો નિર્ણય કર્યો અને ગઈકાલે તેના પતિને જણાવ્યું કે, હું ઝાંઝમેર મઢ (કુળદેવીના મંદિરે) દર્શન કરવા જાવ છું તેમ જણાવી બપોરે પાંચેય સંતાનોને લઈની નિકળી હતી પરંતુ મંદિરે જવાના બદલે આ મહિલા પાંચેય સંતાનો સાથે આજથી થોડા વર્ષો પૂર્વે પાંચ પીપળા ગામે ભાગવી ખેતી કરતા તે વાડીએ પહોંચી તુલસીભાઈ નારણભાઈ ઈટાલીયાની વાડીએ આવેલ. જ્યાં રાત્રિના સમયે પોતાના સંતાનો જેમાં પુત્ર કુલદિપ ઉ.વ.૭, કાર્તિક ઉ.વ.૪, રૂદ્ર ઉ.વ. દોઢ, પુત્રી અક્ષીતા ઉ.વ.૮ તથા ધર્મિષ્ઠા ઉ.વ.૧૦ને કુવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું હતું. આ ઘટના વાડીમાં કપાસ વીણી રહેલ મજુરો તથા વાડી માલિકને થતા તેઓ તત્કાલ કુવા પાસે દોડી ગયા હતા અને માતા-સંતાનોને બચાવવા જહેમત હાથ ધરી હતી અને અલંગ પોલીસ તથા તળાજા મામલતદારને જાણ થતા સમગ્ર કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મોડીરાત્રે ધર્મિષ્ઠા અને ગીતાબેનને જીવતા બહાર કાઢ્યા હતા. જ્યારે કુલદિપ, કાર્તિક, રૂદ્ર તથા અક્ષીતાનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. આ હતભાગીઓની લાશ બહાર કાઢી પોલીસે પીએમ અર્થે મોકલી હતી. આ બનાવ અંગે મહિલાના પતિએ મહિલા વિરૂધ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦ર હેઠળ ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી છે.