જમ્મુ અને કાશ્મીરના ફતેહ કદલ વિસ્તારમાં આજ સવારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. મંગળવારે મોડી રાતે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે ફતેહ કદલ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા છે. આતંકીઓની બાતમી મળતા જ સુરક્ષાદળોએ અર્ધસૈનિક દળ અને સ્થાનિક પોલીસની મદદથી અભિયાન ચલાવ્યું.
સવારથી ચાલુ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકીઓનો ખાતમો બોલાવાયો છે. આ આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો કમાન્ડર પણ સામેલ છે. કહેવાય છે કે સુરક્ષાદળોને આ આતંકીની લાંબા સમયથી તલાશ હતી. એન્કાઉન્ટરમાં રાજ્યનો એક પોલીસકર્મી શહીદ થયો છે. અર્ધસૈનિક દળના 3 જવાનો ઘાયલ થયા છે.
આ ઘટનાની જાણકારી આપતા શ્રીનગરના એસએસપી ઈમ્તિયાઝ ઈસ્માઈલ પર્રેએ કહ્યું કે અત્યાર સુધીની કાર્યવાહીમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે. તેમણે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં જમ્મુ અને કાશ્મીર પોલીસનો એક જવાન પણ શહીદ થયો છે.