ચીનની નવી સુપરસોનિક મિસાઇલને ખરીદવાની તૈયારી પાકિસ્તાન ટૂંક સમયમાં જ શરૂ કરી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનની નવી મિસાઇલ ભારત-રશિયા દ્વારા બનાવવામાં આવેલી બ્રહ્મોસથી વધુ શક્તિશાળી છે. રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીનની નવી મિસાઇલ એચડી-૧ સુપરસોનિકને વધારે પડકારોનો સામનો નહીં કરવો પડે. વળી, એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવાના હેતુથી પાકિસ્તાન ટૂંક સમયમાં જ તેને ખરીદવાની તૈયારી કરી શકે છે. આ મિસાઇલને સાઉથ ચીન સ્થિત ગ્વાંગડોંગ હોંગ્ડા બ્લાસ્ટિંગ કંપનીએ તૈયાર કરી છે.
ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, એચડી-૧ સુપરસોનિક એવી મિસાઇલ સિસ્ટમ છે, જેમાં લૉન્ચિંગ, કમાન્ડ અને કંટ્રોલ બધું જ સામેલ છે.
આ મિસાઇલનું પરીક્ષણ ગત સપ્તાહે નોર્થ ચીનમાં ગુપ્ત રીતે કરવામાં આવ્યું છે. આ મિસાઇલ સિસ્ટમ એરક્રાફ્ટ, શિપ અને જમીન ત્રણેય સ્થળોએ ઉપયોગ કરી શકાય છે. બીજિંગના સૈન્ય નિષ્ણાતો વેઇ ડોંગ્ઝૂ અનુસાર, એચડી-૧ સુપરસોનિકમાં સોલિડ ફ્યૂઅલ રેમજેટની જરૂર હોય છે. એવામાં આ મિસાઇલને પોતાની હરીફ મિસાઇલની સરખામણીએ ઓછાં ઇંધણની જરૂર પડે છે. રિપોર્ટ અનુસાર, સરકાર પાસેથી અનુમતિ બાદ કંપની આ મિસાઇલની ડીલ શરૂ દેશે. વળી, પાકિસ્તાન અને મધ્ય-પૂર્વના દેશ આ સિસ્ટમને ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. વેઇએ જણાવ્યું કે, બ્રહ્મોસ મિસાઇલ ઘણી મોંઘી છે અને એચડી-૧ સુપરસોનિક મિસાઇલની સરખામણીએ કમજોર છે. અમારી નવી મિસાઇલ બ્રહ્મોસને મળેલો સૌથી ઝડપી મિસાઇલનો દરજ્જો ખતમ કરી દેશે. હાલ રિપોર્ટમાં એચડી-૧ની રેન્જનો ખુલાસો કરવામાં આવ્યો નથી, જ્યારે બ્રહ્મોસ ૩૦૦ કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકે છે.