મહિલાઓની જાતીય સતામણી સામેના દેશવ્યાપી મીટુ અભિયાન વચ્ચે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આના સંદર્ભે તપાસ માટે એક કમિટી બનાવવાનું એલાન કરવામાં આવ્યું હતું. પરતું હવે તેમા ફેરફાર કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે સરકારે આવા મામલાની તપાસ માટે હવે પ્રધાનોના એક સમૂહની રચના બાબતે વિચારણા શરૂ કરી છે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ જ હેશટેગ મીટુ કેમ્પેન સાથે જોડાયેલી ફરિયાદોના દરેક પાસાઓ પર વિચારણા કરશે.
મહત્વપૂર્ણ છે કે મીટુ કેમ્પને હેઠળની જાતીય સતામણીની ફરિયાદો વચ્ચે મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ એક સપ્તાહ પહેલા જ આવા મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરવાનું એલાન કર્યું હતું. આ કમિટીમાં એક સેવાનિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં કાયદાવિદ્દોની એક કમિટીને આવા તમામ મામલાની તપાસ કરવાની જવાબદારી સોંપાવાની હતી. પરંતુ મેનકા ગાંધીના મંત્રાલયના પ્રસ્તાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના પર વિચારણા થઈ રહી છે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ આવા મામલાઓની તપાસ કરશે. તેની અધ્યક્ષતા વરિષ્ઠ મહિલા પ્રધાન કરશે. આ મંત્રીસમૂહ મીટુ અભિયાનમાં ઉઠેલા સવાલો અને કાર્યસ્થળ પર મહિલાઓના ઉત્પીડનને રોકવા માટે બનાવવામાં આવેલા કાયદા તથા નિયમોની ઉણપોને દૂર કરવાના ઉપાયોની ચકાસણી કરશે.