માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને ફરી એકવાર પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. ચૂંટણીમાં થયેલા કારમા પરાજય બાદ પણ તેઓ સત્તા છોડવા તૈયાર નથી. જેને લઈને ભારતે લાલ આંખ કરી છે. ભારતે એ વાતના સંકેત પણ આપ્યા છે કે, માલદીવની સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. જો જરૂર પડશે તો પગલા પણ ભરવામાં આવશે.
તો બીજી બાજુ અમેરિકા અને યૂરોપના દેશો પણ સંકેત આપ્યા છે કે, ચૂંટણી પરિણામો બાદ પણ યામીન સત્તા નહીં છોડે તો તેના આકરા પરિણામો ભોગવવા પડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માલદીવ પર આર્થિક પ્રતિબંધો લાદવા સહિતના બીજા વિકલ્પો પર આંતરરાષ્ટ્રીય સમુદાય વિચાર કરી રહ્યો છે. જેમાં ભારત પણ સક્રીયરૂપે ભાગ લેશે.
૨૩ સપ્ટેમ્બરે માલદીવમાં ચૂંટણી પરિણામો જાહેર થયાં હતાં. જેમાં અબ્દુલા યામીનનો કારમો પરાજય થયો હતો અને ઈબ્રાહિમ મોહમ્મદ સોહિલની જીત થઈ હતી. પરંતુ અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશોને ફગાવીને દેશભરમાં ઈમરજન્સી લાદી ચુકેલા યામીન સત્તામાં ચીપકી રહેવા માંગે છે. તેમણે ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવી પરિણામોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. માલદીવે અબ્દુલા યામીને ચૂંટનીમાં પોતાના પરાજયનું કારણ ગાયબ થયેલી સ્યાહી અને મતદાનમત્રમાં ગડબડ ગણવી હતી. યામીને ચૂંટણી પરિણામો રદ્દ કરવાનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી યામીનને આંચકો લાગ્યો છે. કોર્ટે કહ્યું છે કે, સ્યાહી અને બેલેટ પેપર મામલે નિર્ણય હાલ સંભળાવી શકાય નહીં. યામીનના વકીલોએ દલીલ કરી હતી કે, તેના ત્રણ સાક્ષીઓ મતદાન દરમિયાન થયેલી ગડબડ સામે લાવશે. જેને કોર્ટે ફગાવી દીધા છે.
અમેરિકાએ કહ્યું છે કે, જો માલદીવમાં લોકોની ભાવનાઓને નજર અંદાજ કરવામાં આવી તો જરૂરી પગલાઓ ભરવામાં આવશે. બીજી બાજુ યૂરોપીયન યૂનિયન પણ આ પ્રકારની જ ચેતવણી આપી ચુક્યું છે.