તાજેતરમાં જ હિંમતનગરના ઢૂંઢર ગામની ૧૪ મહિનાની બાળકી પર થયેલા દૂષ્કર્મ બાદ પરપ્રાંતીયોને નિશાન બનાવીને થયેલી હિંસા અને તોડફોડની ઘટનાના અનુસંધાને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજકીય રમત શરુ થઈ છે.
જેના ભાગરૂપે એક તરફ મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર પર આરોપો લગાવ્યા છે ત્યારે બીજી તરફ અલ્પેશની આગેવાનીમાં ચાલતા ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ અને મંચના સભ્ય અશ્વિન સોનારાએ અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં અરજી કરી છે કે પરપ્રાંતીયોને નુકસાન પહોંચે તેવું ઉશ્કેરણી જનક ભાષણ ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ કર્યું છે. જેથી તેમની સામે કડક કાનુની પગલાં ભરવામાં આવે.
સાયબર ક્રાઈમ સેલને ઉદ્દેશીને કરેલી અરજીમાં સોનારાએ જણાવ્યું છે કે, ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ હિંમતનગર ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં ટીવી ન્યુઝ ચેનલ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ઉદ્યોગો ૮૦ ટકાથી ઓછા સ્થાનિક યુવાનોને રોજગાર નહીં તો તે નહીં ચલાવી લેવાય. આમ થતું રોકવા માટે જે પણ કરવું પડતું હશે તે કરવાની તૈયારી ચાવડાએ દર્શાવી હતી.
ચાવડાનું નિવેદન પરપ્રાંતીયો પર શારીરીક હુમલા માટેની ઉશ્કેરણી કરતું ભયજનક હતું. તેમાં પરપ્રાંતીયોને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત તે નિવેદન જાહેર માધ્યમો દ્વારા તેમજ સોશિયલ મીડિયા પર પ્રસારીત અને પ્રચારિત કરાયું હતું. તેથી આઈપીસીની કલમ ૨૯૫(ક), ૫૦૪, ૫૦૫ મૂજબ ગુનો આચર્યો છે તેમ કહી શકાય. ઉપરાંત આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ક) અને ૬૬(જ) મૂજબનો પણ ગુનો આચર્યો છે તેમ કહી શકાય. તેથી રાજેન્દ્ર ચાવડાને પકડીને તેની સામે કડકમાં કડક ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે. પુરાવા તરીકે સોનારાએ રાજેન્દ્ર ચાવડાના નિવેદનની ક્લીપ પણ રજૂ કરી હતી.