રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બનાવી વધુને વધુ યુવાઓને નોકરી આપવા ખાસ આયોજન કર્યું છે જેના અનુસંધાને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં વિદ્યુત સહાયક – જુનીયર આસીસ્ટન્ટની ભરતી યોજવામાં આવી હતી જેમાં કંપની દ્વારા સૌ પ્રથમ વખત ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તાબા હેઠળની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે આશરે ૮૪૦૦૦ જેટલા ઉમેદવારોની અરજીઓ નોંધાઈ હતી.
આ સંદર્ભે યુજીવીસીએલ દ્વારા પ્રથમવાર ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા.૧૩-૧૦-૨૦૧૮ થી ૧૫-૧૦-૨૦૧૮ દરમ્યાન ગુજરાતના ૧૬ શહેરોમાં ઓનલાઈન કમ્પ્યુટર લેબની સુવિધા ધરાવતા ૪૭ કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાઈ હતી. આ ઓનલાઈન પરીક્ષામાં ૬૫૨૪૨ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પારદર્શી વહીવટના ભાગરૂપે યોજાયેલી આ ઓનલાઈન પરીક્ષા બાદ તા. ૧૭-૧૦-૨૦૧૮ બાદ યુજીવીસીએલની વેબસાઈટ ઉપર આન્સર કી જોઈ શકાશે. એટલું જ નહીં તા.૨૨ થી ૨૫-૧૦-૨૦૧૮ દરમિયાન ઓબ્જેકશન ટ્રેકરની પ્રક્રિયા યોજાશે જેની લીંક પણ આ વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ થશે. આ ઓનલાઈન પરીક્ષાનું પરીણામ તા.૫-૧૧-૨૦૧૮ બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ પણ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.