જાતિના ખોટા પ્રમાણપત્ર પર લાભ લેનાર સામે પગલાઓ

680

રાજ્યના આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે, કે, જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રોના આધારે લાભ લેનારાઓને હવે કડકમાં કડક સજા કરવામાં આવશે. આ અંગેના કાયદાને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર મળી જતા હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિયજ રૂપાણીના સબળ માર્ગદર્શન હેઠળની ભારતીય જનતા પક્ષની પ્રગતિશીલ સરકારે સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શિતા દાખવીને ગુજરાત વિધાનસભામાં આ અંગેનો કાયદો પસાર કરી રાજયપાલીની ભલામણથી રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી આપ્યો હતો. જેને તા. ૫મી ઓકટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, જાતિ અંગેના પ્રમાણપત્ર અંગે બીજા રાજયોના કાયદા સબંધીત રાજયના રાજપાલ દ્વારા મંજુર કરેલ છે. ગુજરાત રાજયએ દેશનું એક માત્ર એવું રાજય છે કે જેના જાતિ અંગેના પ્રમાણપત્રના કાયદાને રાષ્ટ્રપતિએ મંજુર કરેલ છે જેથી આ કાયદાનું મહત્વ અને અગત્યતા વધારે રહેશે. ગુજરાતના કેટલાક ભાગોમાં બનેલી ખોટા જાતિના દાખલાઓ અંગેની ઘટનાઓ રાજ્ય સરકારના ધ્યાને આવેલ હતી.

જાતિના ખોટા પ્રમાણપત્રોને આધારે અનામત પ્રથાને લાભ લેનારાઓ સાચા લોકોના બંધારણીય અધિકારો પર તરાપ મારતા હતા. આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિને ગુના તરીકે ઠેરવી તેનો સમુળગી નાશ કરવાના હેતુથી ગુજરાત સરકારના સંબધિત બે વિભાગો આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંયુકત રીતે તૈયાર કરવામાં આવેલા આ કાયદાને હવે મંજુરી મળી ગઈ છે તેમ પણ મંત્રીીએ જણાવ્યું હતું. આ કાયદાની મુખ્ય જોગવાઇઓની વિગતો આપતા મંત્રી વસાવાએ ઉમેર્યું હતું કે, જયારે કોઇ ઉમેદવારોની પસંદગી સરકારી નોકરીમાં થશે ત્યારે, શરૂઆતમાં જ તેના જાતિના પ્રમાણપત્રની ખરાઇ કરવામાં આવશે અને જો આવું જાતિ અંગેનું પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો તેણે નોકરી માટે નિમણુક માટેનો ઓર્ડર આપવામાં આવશે નહીં અને જેઓ નોકરી કરે છે તેઓનું જાતિ પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો તેને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. જો કોઇ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હશે તે પ્રવેશ રદ થશે અને તેની ડિગ્રી પણ કરી જપ્ત કરવામાં આવશે. જો કોઇ વ્યકિત આવા ખોટા જાતિના પ્રમાણપત્રને આધારે ચૂંટણી લડ્‌યો હશે તો તેનું ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેનું સભ્ય પદ પણ રદ કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ જણાવ્યું હતું કે, જે વ્યકિતએ આવું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હશે તેને તેમજ તેવું ખોટુ પ્રમાણપત્ર આપનાર અને ખોટું પ્રમાણપત્ર મેળવવા માટે મદદ કરનારને ૩ વર્ષ સુધીની કેદની સજા તથા ૫૦,૦૦૦ સુધીનો નાણાકીય દંડ થશે. તથા આવા ખોટા પ્રમાણપત્રના આધારે તેમણે મેળવેલ શિષ્યવૃત્તિ, પગાર વગેરે જેવા લાભો પણ જમીન મહેસુલની બાકી તરીકે તેની પાસેથી વસુલવામાં આવશે. આ પ્રમાણપત્રોની ખરાઇ ચકાસણી સમિતિ દ્વારા કરવામાં આવશે તથા તે અંગેના નિર્ણયને નામદાર હાઇકોર્ટમાં જ પડકારી શકાશે. આ કાર્યવાહીને સરળ વહીવટી સ્વરૂપ આપવામાં આવેલ છે.

Previous articleવિજયાદશમી પ્રસંગે રૂપાણીએ તમામ લોકોને શુભેચ્છા પાઠવી
Next articleરાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદીનો પ્રારંભ