રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદીનો પ્રારંભ

1065

રાજ્ય સરકારે ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ કરી છે. બજાર કરતા ઉંચા ટેકાના ભાવે સરકાર હાલ ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરી રહી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરુ કરાતા  ખેડૂતોને થોડી રાહત મળશે. આજથી શરૂ થઈ રહેલી ટેકાના ભાવની ખરીદી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ચાલશે. ભારત સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૧૮-૧૯ માટે ટેકાના ભાવ વધાર્યા છે. જેમાં જુદા-જદા પાકોમાં ગતવર્ષ કરતા રૂપિયા ૧૮૦થી લઈને રૂપિયા રૂ.૫૨૫ સુધીનો વધારો કરાયો છે.

આણંદના ખંભાત ખાતે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખંભાત નગરપાલિકા દ્વારા નિર્મિત રૂપિયા ૧૫ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી પણ શરુ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી દ્વારા આજે રૂપિયા ૧૫.૭૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ વિકાસ કામોની સાથે સાથે નવું આકાર લઇ રહેલું માદળા તળાવના બ્યુટીફીકેશનના તેમજ આજીવિકા કેન્દ્રના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધી હતી. રાજ્યમાં ૧૪૨ એપીએમસી કેન્દ્ર પર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી શરૂ કરાશે. ચાલુ વર્ષે નબળા ચોમાસા અને તહેવારોની સીઝનને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં પાકના વેચાણના ૨૪ કલાકમાં ખેડૂતોના ખાતામાં રૂપિયાની સીધી ચુકવણી કરી દેવામાં આવશે. ગુજરાત સરકાર અંદાજિત ડાંગરની એક લાખ મેટ્રીક ટન ખરીદી કરશે. જ્યારે મકાઈ અને બાજરીની ૫૦ હજાર મેટ્રીક ટન ખરીદી કરશે.

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવમાં ડાંગરના હાલના ભાવ રૂ.૧૪૫૦ની સામે ટેકાના ભાવ રૂ.૧૭૭૦ (ક્વિન્ટલમાં), બાજરી હાલના ભાવ રૂ.૧૪૦૦ની સામે ટેકાના ભાવ રૂ.૧૯૫૦ (ક્વિન્ટલમાં), જ્યારે મકાઈ હાલના ભાવ રૂ.૧૧૨૫ની સામે ટેકાના ભાવ રૂ.૧૭૦૦ (ક્વિન્ટલમાં) ખરીદી કરશે.

Previous articleજાતિના ખોટા પ્રમાણપત્ર પર લાભ લેનાર સામે પગલાઓ
Next articleસિહોર ગણપુલે મહિલા મંડળના રાસગરબા