યુપીના અલ્હાબાદમાં મંગળવારની રાતે દુર્ગા પુજાના પંડાલમાં બદમાશોએ ફાયરીંગ કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો છે. બનાવની વિગત અનુસાર અલ્હાબાદના કેન્ટ વિસ્તારમાં આયોજિત એક દુર્ગા પુજાના કાર્યક્રમમાં ચાર બદમાશોએ એક હિસ્ટ્રીશીટર પર અંધાધૂંધ ફાયરીંગ અને બોમ્બ ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકને રહેંસી નાખ્યા બાદ આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મૃતકની ઓળખ નીરજ વાલ્મીકી તરીકે થઇ છે અને એક મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. નીરજ અંડર વર્લ્ડ ડોન છોટા રાજન માટે પણ કામ કરી ચૂક્યો હતો. સ્થાનિક લોકો અનુસાર મૃતક વિસ્તારમાં કેટલાય ગુનામાં સંડોવાયેલો હતો.
પોલીસ અનુસાર નીરજ એક ડઝનથી વધારે સંગીન ગુનામાં સંડોવાયેલો હતો. તેના ઉપર બે મર્ડરના અને બળજબરીથી નાણાં પડાવવા સહિત અન્ય કેટલાય ગુનામાં તેનું નામ સામે આવી ચૂક્યું છે. ૨૦૦૬માં કચહરી પોસ્ટઓફિસમાં થયેલી લૂંટમાં તેનું નામ આવ્યું હતુ. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઓળખ કરી રહી છે.