સબરીમાલા મંદિર વિવાદમાં એકબાજુ કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને સહમત દેખાઈ રહી છે ત્યારે બીજી બાજુ મોટી સંખ્યામાં સંગઠનો અને લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને વિરોધ પ્રદર્શન ઉપર ઉતરેલા છે. સબરીમાલા મંદિરના દ્વાર ખુલતા પહેલા જ ભારે તંગદિલીપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અયપ્પાના શ્રદ્ધાળુઓએ મહિલાઓના પ્રવેશને રોકવાના પ્રયાસ કર્યા હતા. જોરદાર ઝપાઝપી થઇ હતી. ઘણાને ઇજા પણ થઇ હતી. ભાજપ, આરએસએસ, કોંગ્રેસ અને હિન્દુ સંગઠનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરી છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને ઉઠાવી લેવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે ભાજપ અને સંઘ તથા કોંગ્રેસના લોકો મેદાનમાં ઉતરેલા છે. સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓ અને યુવતીઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા દેખાવકારોને દૂર કરવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી જેના પરિણામ સ્વરુપે મંદિર તરફ દોરી જતાં મુખ્ય રસ્તા નિલક્કલમાં સ્થિતિ વણસી ગઈ હતી. દેખાવકારોએ મિડિયા અને પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કર્યો હતો. નિલક્કલ અને પંબામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજુરીનો વિરોધ કરી રહેલા ત્રાવણકોર દેવાસન બોર્ડના પૂર્વ અધ્યક્ષ સહિત ૫૦ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
સબરીમાલા પહાડીથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે નિલક્કલમાં મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓએ મહિલાઓના પ્રવેશની સામે દેખાવ કરી રહેલા લોકોને રોકવાના પ્રયાસ કર્યા હતા. સાથે સાથે કેટલાક પંડાળો દૂર કરવામાં આવ્યા હતા. મંદિર તરફ દોરી જતાં માર્ગમાંથી ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પરત મોકલી દેવામાં આવી હતી. સ્થિતિ બેકાબૂ ન થાય તે માટે પોલીસે પણ સાવધાનપૂર્વકનું વલણ અપનાવ્યું હતું. અય્યપા સ્વામી મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશની મંજુરી આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા. લોકોએ અયપ્પા મંત્રના જાપ કર્યા હતા. આજે સવારે દેખાવકારોએ મંદિર તરફ દોરી જતા રસ્તા ઉપર બસો ઉપર પથ્થરમારો કર્યો હતો ત્યારે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. પોલીસની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકોને ઇજા થઇ હતી. માસિક પૂજા માટે મંદિર ખુલવાથી થોડાક કલાક પહેલા જ પોલીસે કહ્યું હતું કે કોઇપણ હિંસા ન થાય તે માટે પગલા લેવાઈ રહ્યા છે. દેખાવકારોએ પણ આક્રમક વલણ અપનાવ્યું હતું અને ઘણી મહિલાઓને અટકાવી હતી. વધારાના પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી હતી. ભગવાન અયપ્પા સ્વામી મંદિર તરફ દોરી જતાં રસ્તા નિલક્કલ પર મહિલા પોલીસ કર્મીઓ સહિત ૫૦૦ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ પંબામાં શ્રદ્ધાળુઓના એક અન્ય જૂથમાં ગાંધીવાદીરીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અય્યપા સ્વામી મંદિરના દરવાજા પ્રથમ વખત ખોલી દેવામાં આવ્યા હતા. પાંચ દિવસની માસિક પૂજા બાદ ૨૨મી ઓક્ટોબરે દ્વાર ફરી બંધ કરવામાં આવનાર છે. માસિક પ્રાર્થના માટે સબરીમાલા મંદિરમાં જોરદાર ધસારો થયો હતો. આસપાસના વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશમાંથી મહિલાઓ પણ મોટી સંખ્યામાં સબરીમાલા પહાડ પર જવા દેખાઈ હતી પરંતુ પુરુષ શ્રદ્ધાળુઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યા બાદ આ મહિલાઓ પંબામાં પરત ફરી હતી. કેટલીક મહિલાઓએ હિંમત દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે પરંતુ ચિત્ર હજુ પણ ચિંતાજનક છે. નિલક્કલ અને પંબામાં કુલ ૧૦૦૦ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા જેમાં ૮૦૦ પુરુષો અને ૨૦૦ મહિલા પોલીસ છે. સબરીમાલા મંદિરના પ્રવેશ દ્વાર ખુલી ગયા બાદ આજે દિવસ દરમિયાન તંગ સ્થિતિ રહી હતી. કેરળના અન્ય કેટલાક ભાગોમાં પણ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે.