ભીષણ અથડામણમાં વધુ ત્રણ ત્રાસવાદી મોતને ઘાટ

729

જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં લશ્કરે તોયબાના ત્રણ કુખ્યાત ત્રાસવાદીઓ ઠાર થયા હતા. એક પોલીસ જવાને પણ પ્રાણોની આહુતિ આપી હતી. મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આજે સવારે સુરક્ષા દળોને ત્રાસવાદીઓ છુપાયેલા હોવા અંગે માહિતી મળી હતી. બંને પક્ષો વચ્ચે જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. આખરે ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. બુરહાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારના દિવસે જમ્મુ કાશ્મીરના કુપવારામાં હેન્ડવારામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. આના ભાગરુપે હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર મન્નાન વાની પણ હતો.

મન્નાન હિઝબુલ મુઝાહિદ્દીનનો સ્થાનિક કમાન્ડર તરીકે હતો.  તેને કુપવારામાં કમાન્ડર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. બીજી બાજુ ફેસબુક ઉપર રાયફલની સાથે મન્નાનનો એક ફોટો વાયરલ થતાં તેને યુનિવર્સિટીમાંથી કાઢી મુકાયો હતો.  તે પાંચમી જાન્યુઆરીના દિવસે જ હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન છેલ્લા પાંચ વર્ષથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લા તાકીપોરા ગામનો નિવાસી હતો. મન્નાનને તેના ઘરવાળા આગળના અભ્યાસ માટે અમેરિકા મોકલવા ઇચ્છુક હતા. આને લઇને તે ખુબ ઉત્સાહિત પણ હતો પરંતુ તે ત્રાસવાદી  ગતિવિધિમાં સામેલ થઇ ગયા બાદ પરિવારના સભ્યો નાખુશ હતા. છેલ્લે ચોથી જાન્યુઆરીના દિવસે તેની વાત થઇ હતી તે વખતે મન્નાને પોતાના ભાઈને પરિવારની સાથે પોતાનો એક જુનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો. ફેસબુક એકાઉન્ટ પણ બંધ થઇ ગયું હતું. જાન્યુઆરીમાં જ મન્નાન એએમયુથી કાશ્મીર પહોંચી ગયો હતો. ત્યારબાદ તે  હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન વાની કુખ્યાત ત્રાસવાદી તરીકે હતો. બુરહાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ હિજબુલ અને તોયબાને મોટો ફટકો પડ્યો છે પરંત ત્રાસવાદીઓ મોટી સંખ્યામાં હજુ પણ સક્રિય થયેલા છે.આ વર્ષે હજુ સુધી ૧૩૦થી વધુ સ્થાનિક યુવાનોને ત્રાસવાદી બની ચુક્યા છે. ત્રાસવાદી સંગઠનો તરફથી પણ અસ્તિત્વની લડાઈ લડવામાં આવી રહી છે જેના ભાગરુપે ત્રાસવાદીઓની સંખ્યા ઓછી ન થાય તેવા પ્રયાસ તેમના તરફથી કરવામાં આવી રહ્યા છે. ખીણમાં હજુ પણ ૩૦૦થી વધારે ત્રાસવાદીઓ સક્રિય છે અને સ્થાનિક લોકોની મદદથી છુપાયેલા છે.

કટ્ટરપંથીઓ અને સ્થાનિક લોકોના ટેકાના લીધે આ લોકો તક મળતાની સાથે જ હુમલાને અંજામ આપે છે. સુરક્ષા દળો સામે આ પ્રકારના આતંકવાદીઓને શોધી કાઢવાની બાબત સરળ નથી. ઓછા ભણેલા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમાં ત્રાસવાદી લીડરોને સફળતા મળી રહી છે.

Previous articleસબરીમાલા : મંદિર ખુલતા પહેલા તંગદિલી, અનેક કસ્ટડીમાં લેવાયા
Next articleપાકિસ્તાનમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર સીરિયલ કિલરને ફાંસી