મુંબઈ-ગોવા વચ્ચે ૨૦ ઑક્ટોબરથી ડોમેસ્ટિક લક્ઝરી ક્રૂઝ સેવા શરુ થશે

884

મહાનગર મુંબઈ અને પર્યટકોના પ્રિય એવા ગોવા વચ્ચે ૨૦ ઓક્ટોબરથી સૌપ્રથમ ડોમેસ્ટિક લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવશે. ભારતમાં આ પ્રકારની સૌપ્રથમ પેસેન્જર ક્રૂઝલાઈનર સેવા હશે. સરકાર સંચાલિત મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ખાનગી ક્રૂઝ કંપની આંગ્રિયા સી ઈગલ્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ ક્રૂઝ સેવા શરૂ કરી રહી છે.

આ પ્રવાસ માટે એમ.વી. આંગ્રિયા મરચંટ જહાજનો ઉપયોગ કરવામાં આવશે. આ જહાજના માલિક છે  મુંબઈનિવાસી કેપ્ટન ઈરવિન સીક્વેરા, જેઓ સેઈલિંગનો ૧૫ વર્ષનો અનુભવ ધરાવે છે.

ક્રૂઝ મુંબઈમાં પ્રિન્સેસ ડોકના પર્પલ ગેટ ખાતેથી ઉપડશે અને ૧૬ કલાકની સફર બાદ દક્ષિણ ગોવાના માર્મગોવાના ડોક ખાતે પહોંચશે. ક્રૂઝ જહાજમાં ૩૦૦ પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે.

આ ક્રૂઝ માટે એક-તરફના પ્રવાસનું ભાડું રૂપિયા ૭,૦૦૦-૧૨,૦૦૦ની વચ્ચે રહેશે. આ ભાડામાં નાસ્તો અને ભોજનની રકમનો પણ સમાવેશ થાય છે. ક્રૂઝ અઠવાડિયામાં ચાર વખત સફર કરશે. ચોમાસાની ઋતુમાં આ જહાજ ઓપરેટ કરવામાં નહીં આવે.

ક્રૂઝ પર છ ડેક છે, ૧૦૪ કેબિન, સ્વિમિંગ પૂલ, બાર, રેસ્ટોરન્ટ, કોફી શોપ પણ છે. જહાજ પર ૬૭ ક્રૂ મેમ્બર્સ હાજર રહેશે. નેવિગેશન માટે કેપ્ટનની સહાયતા માટે વિવિધ રેન્કના ચાર કેબિન ઓફિસર રહેશે.

કેન્દ્રના ટ્રાન્સપોર્ટ, શિપિંગ ખાતાના પ્રધાન નીતિન ગડકરી આ ક્રૂઝલાઈનર સેવાનો શુભારંભ કરાવશે. વ્યાપારી ધોરણે સેવા ૨૪ ઓક્ટોબરથી શરૂ થશે.

Previous articleમાર્ક ઝુકરબર્ગને ફેસબુકના સીઈઓ પદેથી દૂર કરવાનો પ્રસ્તાવ
Next article’ખટારા’ હેલિકોપ્ટર બાદ બે ફરારી સહિત વિજય માલ્યાની ૬ કાર નિલામ થશે