૧૫ વર્ષના આકાશ મલિકે યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે રિકર્વ તીરંદાજીના પુરુષ ઈન્ડિવિઝ્યુઅલ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે. તે આ રમતમાં સિલ્વર જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. આ અગાઉ અતુલ વર્માએ ૨૦૧૪માં નેનજિંગમાં યોજાયેલી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આકાશ મલિકના આ પ્રદર્શન સાથે આર્જેન્ટિનામાં યોજાયેલી યુથ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા ૧૩ થઈ છે. જેમાં ૩ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. યુથ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે સૌથી વધુ બે ગોલ્ડ શૂટિંગમાં જીત્યા છે. એક ગોલ્ડ વેઈટલિફ્ટિંગમાં મળ્યો છે. આકાશ મલિકના પિતા ખેડૂત છે અને તે ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે.
આકાશે રિકર્વ તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ગોલ્ડ માટે થયેલી આ ટક્કરમાં અમેરિકાના ટ્રેન્ટન કોલેસ સામે તે ટકી શક્યો નહીં. કોલેસે આકાશને ૬-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.