શહેરના હાર્દસમા વિસ્તારમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપનાર કડવા પાટીદાર વિદ્યાર્થીભવન ખાતે સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા પૂરી પાડવાના આશયથી નિર્માણ પામનાર હોસ્ટેલનું મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ અને ઊર્જા મંત્રી
સૌરભભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મુખ્ય દાતા શાંતાબેન પટેલ અને અમરતભાઇ પટેલે ભૂમિપૂજન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે ઉપસ્થિત સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, નિર્માણ પામનાર અદ્યતન ભવનને કારણે પાટીદાર સમાજના દીકરા-દીકરીઓનું શૈક્ષણિક ભાવિ વધુ ઉજ્જવળ બનશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં માત્ર શિક્ષણ જ નહીં પણ નૈતિક મૂલ્યોની પણ સમાજમાં વધુ પ્રમાણમાં અસર પડી રહે છે ત્યારે કે.પી. ભવન સમાજના અને રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે તેવા યુવાનોને તૈયાર કરશે.
આ પ્રસંગે મંત્રીએ કે. પી. ભવનના શરૂઆતના દિવસો અને વર્તમાન દિવસોના સંસ્મરણો ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિઝન-૨૦૨૦ના કારણે સમાજના યુવાનોને પ્રગતિના પથ પર આગળ વધવામાં બળ મળશે. તેમણે યુવાનોને ખાસ વર્તમાન સમયમાં પ્રચલિત બનેલા સ્ટાર્ટ અપ ઇન્ડિયાના વિચારમાં જોડાવા અને શિક્ષણની સાથે પોતાના મૌલિક વિચારોથી પણ સમાજ અને દેશની પ્રગતિમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણી શ્રેષ્ઠીઓ દ્વારા મોટા પાયે દાન કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ ભવનના નિર્માણ કાર્યમાં કરવામાં આવશે.