કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલાએ ત્રણ મહીનામાં જ ભાજપ છોડી દીધો છે. બાયડ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. ત્યાર બાદ ગત જુલાઇમાં ભાજપમાં જોડાયા હતા, અને તેમને ભાજપમાંથી લોકસભાની ટિકિટ મળવાની હોવાની પણ ચર્ચા ચાલી હતી. જો કે આજે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજીનામું મોકલી આપ્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, હું વ્યક્તિગત કારણોથી ભાજપમાંથી રાજીનામું આપું છું. આ પહેલા મહેન્દ્રસિંહ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા, પરંતુ ૨૦૧૭ના ઓગસ્ટ માસમાં રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ સમાવેશ થાય છે.
પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ પર ભાજપનું દબાણ હોય શકે છે. કોઈપણ પક્ષમાં રહીને પ્રજાનું અહિત કર્યું નથી. જો મહેન્દ્રસિંહ એક સપ્તાહમાં ખેસ ન ઉતારે તો પિતા અને પુત્રના રાજકીય સંબંધ પુરા થઈ જશે. પુત્ર બીજેપીમાં જોડાતા શંકરસિંહ વાઘેલા નારાજ થયા હતા. રાજકીય સૂત્રોમાં ચાલેલી ચર્ચા મુજબ, તેમની આ નારાજગી પાછળ કોંગ્રેસમાંથી હાલ બીજેપીમાં ગયેલા નેતાઓની હાલત જોઈને છે. રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન શંકરસિંહ જૂથના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા હતા. પરંતુ હાલ તેમનું ભાજપમાં ખાસ ઉપજતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. માત્ર એટલું જ નહીં, નરહરિ અમિન સહિત એક સમયના અનેક દિગ્ગજ નેતાઓને હાલ હાંસિયામાં ધકેલાય ગયા હોવાથી શંકરસિંહ બીજેપીની નીતિઓથી નારાજ ચાલી રહ્યા છે. તેમજ તેમને ડર છે કે, મહેન્દ્રસિંહની હાલત પણ બીજા નેતાઓ જેવી થઈ શકે છે.