સરદાર પટેલના જીવન કવન, વિરલ વ્યકિત્વ, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગોથી જન-જન સુધી પહોંચે તેવા આશયથી તા.૧૯/૧૦/૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦ વાગે શિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતેથી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા વિભાવરીબેન દવે એકતા યાત્રા રથનું પ્રસ્થાન કરાવશેઃ
સરદાર વલ્લભભાઇ પટેલનાં સમગ્ર જીવન દરમિયાન વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતોમાં તેમણે કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ, સમાજની નવરચના, બંધારણનું ઘડતર વગેરે જેવા વિવિધ પ્રસંગોમાં તેમની અસરકારક નેતૃત્વશૈલીનાં દર્શન થયા છે. આવા વિરલ વ્યકિતત્વ માટે સરદાર સરોવર ડેમ સાઇટ પર વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનું લોકાર્પણ આગામી તા.૩૧મી ઓકટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રાર્પણ થનાર છે. પ્રતિમાના પ્રથમ તબક્કામાં સ્મારકમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને યોગદાનને જીવંત કરતુ મ્યુઝિયમ, ઓછા સમયમાં વધુ મુલાકાતીઓ માટે આ સ્થળ નિહાળી શકે તે માટે ઝડપી એલિવેટર, ફ્લોર, મેઝેનાઇન અને છતમાં એમ ત્રણ જગ્યાએ સ્ટેચ્યુનું ત્રણ સ્તરનું પ્રદર્શન મેમોરિયલ ગાર્ડન, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, એક મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો અને પ્રતિમા સ્થળ સાથે જોડતો પુલ બનાવવામાં આવ્યો છે. પ્રતિમાના નિર્માણ માટે ૭૦ હજાર ટન સિમેન્ટ, ૧૮,૫૦૦ ટન લોખંડ, ૬,૦૦૦ ટન સ્ટ્રકચરલ સ્ટીલનો વપરાશ કરાયો છે. સરદાર સાહેબની પ્રતિમાના સ્થળે ૨૩૦ હેકટરમાં ૧૭ કિ.મી. વિસ્તારમાં દેશ-વિદેશના ફૂલોની ફલાવરવેલી, વિવિધ રાજ્યના અતિથિભવનનું પણ નિર્માણ થશે. જેના થકી આ સ્મારક એક આગવું પ્રવાસન સ્થળ બની રહેશે અને રોજના ૧૫ હજારથી વધુ પ્રવાસીઓ સ્થળની મુલાકાત લે એવી સંભાવના છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીનું પણ નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરાશે. આ સમગ્ર સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે.
એકતા યાત્રા રથ બે તબક્કાઓમાં ગામે ગામ પરિભ્રમણ કરશે
આ ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’નું ઉદ્દધાટન એક સંભારણુ બને તેમજ સરદાર પટેલનો સંદેશ લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવા માટે આગામી તા.૨૦/૧૦/૨૦૧૮ થી તા.૨૯/૧૦/૨૦૧૮ તથા બીજા તબક્કામાં ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૨૪/૧૧/૨૦૧૮ દરમિયાન ભાવનગર જિલ્લાભરમાં એકતા યાત્રાના બે રથો ગામે ગામ ધુમશે. દરેક ગામમાં એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ એકતા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પધાર્ઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે. ગામોમાં રાત્રી દરમિયાન કૃષિ વિષયક માહિતી, ખેડૂત સભા પણ યોજાશે.