શહેર કોંગ્રેસ સમિતિએ વિધાનસભાની ચૂંટણીને પગલે ૧૦ મુદ્દાઓ સાથે પ્રચાર પ્રસારનો આરંભ કર્યો હતો. ભગવાન પંચદેવના દર્શન કર્યા બાદ સેક્ટર ૨૨ વિસ્તારમાં ઘરે ઘરે ફરીને મતદારોને મળ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. કૌશિક શાહે કહ્યુ કે, નાગરિકો દ્વારા સારો આવકાર મળી રહ્યો છે. વેપારી વર્ગ, નોકરીયાત વર્ગ સહિતના લોકો કોંગ્રેસને સહકાર આપી રહ્યા છે. પહેલા દિવસનો પ્રચાર સારો રહ્યો હતો. આજે બીજા દિવસે શહેરના છેવાડે આવેલા ક૭ સર્કલેથી આરંભ કરવામાં આવશે.
ઢોલ નગરા વગાડીને શહેર કોંગ્રેસ સમિતિએ મહાપાલિકા વિસ્તારમાં પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા. સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોની ફોજ સેક્ટર ૨૨ અને ૨૯માં ડોર ટુ ડોર ફરી હતી. ભાજપદ્વારા પણ શહેરી વિસ્તારમાં પ્રચાર કરવામા આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરતા શહેરમાં હવે વિધાનસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગી કાર્યકરો હાથમાં કોંગ્રેસનો ધ્વજ લઇને પ્રચાર કરી રહ્યા છે. ભાજપના સાશનથી કંટાળેલી પ્રજા કોંગ્રેસને વધુ સારો આવકાર આપી રહી છે.