મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આડે છ સપ્તાહથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે સંઘના ફિડબેકથી ભાજપની ચિંતા વધી ગઈ છે. સુત્રોના કહેવા મુજબ સંઘે વર્તમાન ૭૮ ધારાસભ્યોને ટિકિટ ન આપવા માટે સલાહ આપી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ બુધનીની જગ્યાએ ભોપાલની ગોવિંદપુરા બેઠક પરથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કોઇપણ ભાજપ નેતાએ આ સંદર્ભમાં પોતાની પ્રતિક્રિયા આપી નથી પરંતુ સુત્રોના કહેવા મુજબ સંઘ પરિવારે શાસક પક્ષ પાસેથી તેમના ૭૮ ધારાસભ્યોને ખરાબ પરફોર્મન્સ ફિડબેકના આધાર પર બદલી કાઢવા માટે કહ્યું છે.
ભાજપની ચૂંટણી મેનેજમેન્ટ કમિટિની બેઠક દરમિયાન વિવિધ મુદ્દા ઉપર ચર્ચા થઇ હતી જેમાં પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં આ બાબત ઉપર સહમતિ થઇ હતી કે, માત્ર સંભવિત વિજેતાઓની જ સૌથી પહેલા પસંદગી કરવામાં આવે. કોઇ બીજા ફેક્ટર ઉપર ધ્યાન આપવા જોઇએ નહીં. પાર્ટી હાઈકમાન્ડે કહ્યું છે કે, કોઇપણ ઉમેદવાર જ્યાં સુધી કોર્ટથી દોષિત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તેમને ભ્રષ્ટ તરીકે ગણી શકાય નહીં. કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ અને અન્ય અન્યોએ ટિકિટ વહેંચણી માપદંડની સાથે એવા નામો ઉપર ચર્ચા કરી હતી જે લોકોને બદલી દેવામાં આવી શકે છે. રાકેશસિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પાર્ટી માત્ર જીતના માપદંડ ઉપર જ ટિકિટ આપનાર છે. અહીં કોઇ ભ્રષ્ટ ઉમેદવાર નથી. સંભવિત ઉમેદવારની સામે કોઇ કોર્ટનો ચુકાદો ન આવે તે અંગે ટિપ્પણી કરવા માંગતા નથી. ગોવિંદપુરા સીટને ભાજપના ગઢ તરીકે ગણવામાં આવે છે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌર આઠ વખત જીત્યા હતા. કોંગ્રેસની યોજના બુધની સીટ પરથી મુખ્યમંત્રીની સામે કોઇ મોટા ચહેરાને ઉતારવાની રહેલી છે. જો કે, હજુ સુથી કોઇ અંતિમ નિર્ણય કરાયો નથી. ટૂંકમાં જ ચિત્ર સ્પષ્ટ થશે.