ભારતીય પુરૂષ હોકી ટીમે ઓમાનના મસ્કટમાં ચાલી રહેલ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતથી શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટમાં ગુરૂવારે પોતાના પ્રથમ મુકાબલામાં તેણે ઓમાનની ટીમને ૧૧-૦ના મોટા અંતરથી હરાવ્યું છે. દુનિયાની પાંચમા નંબરની ટીમ ભારત આગળ ઓમાનનાં ખેલાડી મોટા ભાગના સમયે બોલ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. વિજય ટીમ માટે દિલપ્રપીત સિંહ (૩૭મા, ૫૫માં અને ૫૭મા મિનિટે)હેટ્રીક લગાવી, જ્યારે લલિત ઉપાધ્યાયે (૧૭મી મિનિટે), હરમનપ્રીત (૨૧મી મિનિટે), નિલકાંત શર્મા (૨૨મી મિનિટ), મંદિપ સિંહ (૨૯મી મિનિટ), ગુરજંત સિંહ ૩૭મી મિનિટ), આકાશદીપ (૪૯મી મિનિટ), વરૂણ કુમાર (૪૯મી મિનિટ) અને ચિંગ્લેનસાના સિંહ (૫૩)એ એક-એક ગોલ કર્યો હતો.
મુકાબલાનો પ્રથમ ક્વોર્ટર ગોલ કર્યા વીનાનો રહ્યો. પ્રથમ ૧૫ મિનિટમાં ભારતીય ટીમે ગોલ કરવાના ઘણા અવસરો મળ્યા પરંતુ ઓમાનની રક્ષાપંક્તિ ગોલ બચાવવામાં સફળ રહી. જોકે, બીજા ક્વોર્ટરમાં ભારતીય ટીમે તેની કસર નીકાળી દીધી. આ ૧૫ મિનિટ દરમિયાન ટીમે કુલ ૪ ગોલ કર્યા. શરૂઆત લલિત ઉપાધ્યાયે કરી અને આ ક્વોર્ટરનો અંતિમ ગોલ મંદિપના નામે રહ્યો.