દેશની એક્તા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલને વિશ્વ સમસ્તમાં યથોચિત આદરાંજલિ આપવા માટે ગુજરાતના બીજા એક પનોતા પુત્ર અને ભારતના લોક લાડીલા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણનું સેવેલું સોણલું સાકાર થયું છે. ગુજરાતના કેવડિયા ગામ નજીક સાધુ બેટથી સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં ફેલાશે. સમગ્ર રાજયમાં એકતા રથયાત્રા ના પરિભ્રમણ દ્વારા સરદાર સાહેબને ઐતિહાસિક આદરાંજલિ આપવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં પણ ભારતના લોખંડી પુરૂષને ભાવાજંલિ આપવા માટેની એકતા રથયાત્રા તા. ૨૦/૧૦/૨૦૧૮ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે દહેગામ તાલુકાના રખિયાલ ખાતેથી પ્રારંભ કરાશે.
જિલ્લા કલેકટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીનના અધ્યક્ષ સ્થાને યોજાશે. પ્રથમ તબક્કામાં તા. ૨૦ થી ૨૯ ઓકટોબર, ૨૦૧૮ દરમ્યાન દહેગામ તાલુકાના ૫૭ ગામો અને ગાંધીનગર તાલુકાના ૩૩ ગામો, પેથાપુર નગરપાલિકા, દહેગામ નગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં આ રથ ફરશે. એકતા યાત્રામાં જોડાવવા ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લા વાસીઓને સહભાગી બનવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ હિતેષ કોયા, ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર એસ.એલ. અમરાણી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.