તાલુકા કાનુની સેવા સમિતિ ધોલેરા દ્વારા તા.૯-૧૧-૧૭ના રોજ નાલસા દિવસની ઉજવણી નિમિત્તે કાનુની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં ચેરમેન સી.જી. દેસાઈ દ્વારા નાગરિકોને મળતા કાનુની લાભો અંગે સુયોગ્ય અને રસભર માહિતી આપેલ.
અત્રે યોજેલ કાનુની શિક્ષણ શિબિરમાં અંતર્ગત એચ.એન. હુણ-સેક્રેટરી અને એમ.યુ. પઠાણ રજીસ્ટાર દ્વારા નાલસા અંગેની વિવિધ સ્કીમો જેવી કે કોઈ વ્યક્તિ બિલકુલ ગરીબ હોય, વાર્ષિક એક લાખ રૂા.ની આવક ધરાવતો હોય તેવી વ્યક્તિને ન્યાય અપાવવા તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા મફત વકીલ આપી કેસ લડી આપવામાં આવે છે. જ્યારે કુદરતી વાવાઝોડા, ભુકંપ જેવી હોનારતનો ભોગ બનેલ હોય, વિકલાંગ, ત્યક્તા, વિધવા જેવી વ્યક્તિઓ માટે પણ મફત વકીલ આપવામાં આવે છે. આવી વ્યક્તિઓ માટે આવકના દાખલાની પણ જરૂરીયાત હોતી નથી. ત્યારે આવા કોઈ વ્યક્તિઓ જો કોઈ હોય તો તાલુકા કાનુની સેવા સમિતિનો લાભ લઈ શકે છે તેમ જાણવા મળેલ છે.
આ શિબિરમાં બાર એસોસીએશનના પ્રમુખ જે.જે. ચુડાસમા, લવકુમાર જાની વકીલ, એન.એમ. ખસીયા વકીલ દ્વારા કાયદા વિષયક માહિતી આપવામાં આવેલ તો ધોલેરા પીએસઆઈ એસ.એમ. જાડેજા, જે.એન. વિદ્યામંદિરનો શિક્ષકગણ, ધોલેરા આઈટીઆઈનો શૈક્ષણિક સ્ટાફ તેમજ બાળકો, નગરજનો ખાસ ઉપસ્થિત રહી તાલુકા કાનુની શિક્ષણ શિબિર અંગે માહિતગાર થયા હતા.