ગુજરાતમાં એકતા યાત્રા બે ચરણમાં યોજવાનો નિર્ણય : મંત્રી ચુડાસમા

771

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ૩૧ ઓક્ટોબરે લોકાર્પણ પૂર્વે રાજ્યભરમાં એકતાયાત્રા યોજીને સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના મંત્રને ઘેર-ઘેર ગુંજતો કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. આ એકતાયાત્રાના પ્રથમ તબક્કામાં પાંચ હજાર ગામોને આવરી લેવામાં આવશે. આ એકતાયાત્રા અંગેની વિગતો આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આવતીકાલ તા.૨૦ ઓક્ટોબરથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ એકતાયાત્રાનો પ્રારંભ કરાવશે. મંત્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, ધર્મ-સંપ્રદાય અને જ્ઞાતિ-જાતિના વાડાથી બહાર આવીને રાષ્ટ્રભાવના ઉજાગર કરવાના ઊમદા આશયથી યોજાનાર આ એક્તાયાત્રા બે તબક્કા દરમિયાન ૧૦ હજાર ગામોમાં પરિભ્રમણ કરશે જે માટે ૫૦થી વધુ રથ તૈયાર કરાયા છે. રથમાં સરદાર સાહેબની પ્રતિમા રહેશે તેમજ એલઇડી સ્ક્રીન પરથી સરદાર સાહેબના જીવન-કવનને આવરી લેતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની ટેલિફિલ્મ દર્શાવાશે. રથનું ગામમાં આગમન થાય ત્યારે ભવ્ય સ્વાગત કરાશે અને સ્વાગત વેળાએ એક્તાના શપથ ગ્રહણ નાગરિકોને કરાવાશે. તે સમયે ધાર્મિક ગુરુઓ, શિક્ષકો, પંચાયતના સભ્યો, સહકારી મંડળી-દૂધ મંડળીના સભ્યો ઉપસ્થિત રહેશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે એકતાયાત્રા રાજ્યના જિલ્લાઓમાં યોજાશે.

તેને પણ રાજ્ય મંત્રીમંડળના જે મંત્રીઓ અને પદાધિકારીઓ પ્રસ્થાન કરાવવાના છે તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત વિધાનસભા દંડક ભરતસિંહ ડાભી મહેસાણા જિલ્લામાં, કૃષિમંત્રી આરસી ફળદુ – જામનગર, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિંહ ચુડાસમા – આણંદ, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ – સાબરકાંઠા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ – બોટાદ, આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા – તાપી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા – રાજકોટ, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોર -પાટણ જિલ્લામાં ઉપસ્થિત રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર – નવસારી, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા – સુરેન્દ્રનગર, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા – અમદાવાદ, સિંચાઇ રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ – બનાસકાંઠા, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલકી તથા મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે – ભાવનગર, ગ્રામગૃહ નિર્માણ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ – દાહોદ, કૃષિ રાજ્યમંત્રી  જયદ્રથસિંહ પરમાર – પંચમહાલ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ – ભરૂચ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર – કચ્છ, વન રાજ્યમંત્રી રમણલાલ પાટકર – વલસાડ અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી – સુરત જિલ્લામાં ઉપસ્થિત રહેશે.

Previous articleગુજરાતની ૬૦૦ ટીડીએસ કંપનીઓ પર આઈટીની બાજ નજર : ત્રાટકવાની તૈયારીમાં
Next articleબારડોલીથી એકતા યાત્રાના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ કરાયો