સમગ્ર રાજયભરની સાથો સાથ ભાવનગરમાં પણ જીવલેણ સ્વાઈન ફલુએ કહેર મચાવ્યો છે. અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે ભાવનગર હોસ્પિટલમાં પણ આજે દાખલ રહેલ સિહોરના યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ભાવનગર શહેર તથા જીલ્લામાં સ્વાઈનફલુના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોગચાળાથી બચવા કાળજી રાખવા તંત્ર દ્વારા લોકોને સતત જાગૃત રહેવા જણાવાઈ રહ્યું હોવા છતાં રોગચાળો વધી રહ્યો છે. સર ટી. હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેમાં ગત તા. ૧૬ના રોજ ૩૯ વર્ષીય સિહોરના યુવાનને સારવાર માટે દાખલ કરાયેલ જયાં આજે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આમ ભાવનગરમાં કુલ મૃત્યુઆંક ૧૩ થવા પામ્યો હતો.
સિહોરના યુવાનનું સ્વાઈનફલુ પોઝીટીવના કારણે મોત થતા ડોકટરી ટીમની દેખરેખ હેઠળ નિયમો અનુસાર મૃતદેહને દવા મુકત પોલીથીનમાં રાખીને અંતિમ સંસ્કાર કરાવાયા હતાં.
ભાવનગરની હોસ્પિટલમાં હાલમાં કુલ ૭ પોઝીટીવ તથા ૩ શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. જયારે ૧ નવા પોઝીટીવ કેસ આવેલ છે. ઉપરાંત ૩ દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ત્યારે સ્વાઈન ફલુના રોગથી બચવા માટે મોં પર માફક રાખવા ઉપરાંત થોડો પણ તાવ કે શરદી હોય તો તુરંત તેની તપાસ કરાવીને દવા લેવી જરૂરી હોવાનું તબીબો જણાવી રહ્યા છે.