કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશને લઇને ઘમસાણ જારી છે. આજે પણ હિંસક પ્રદર્શન જારી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુર આપી હોવા છતાં હજુ સુધી કોઇ પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. દેખાવકારો આક્રમક દેખાવ કરી રહ્યા છે. પોલીસ પર દેખાવકારો ભારે પડી રહ્યા છે. બીજી બાજુ બે મહિલા મંદિરના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચી ગયા બાદ દેખાવકારોએ તેમને પરત ફરવા માટે અપીલ કરી હતી. સબરીમાલા એન્ટ્રી વિવાદ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે. મંદિરમાં પ્રવેશ માટે પહોંચેલી મહિલાઓને પરત મોકલવામાં આવી રહી છે. કેટલીક મહિલાઓની સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરનાર મહિલા કાર્યકર રહેના ફાતિમાના આવાસ ઉપર તોડફોડ કરવામાં આવી હતી. સબરીમાલા મંદિરની બહારનો નજારો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે. સબરીમાલા સિન્નીથાનમની નજીક વલિયા નદાપંડાલમાં બે મહિલાઓને આગળ જતા રોકવામાં આવી હતી. આજે બે મહિલાઓ આઇજીની સાથે ૨૫૦ સુરક્ષા કર્મીઓ સાથે મંદિરમાં પ્રવેશ કરવા પહોંચી હતી પરંતુ સફળતા મળી ન હતી.
એક ખ્રિસ્તી મહિલાને પણ વિરોધ બાદ પરત ફરવાની ફરજ પડી હતી. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા શાંતિ જાળવી રાખવા માટે દેખાવકારોને અપીલ કરવામાં આવી રહી છે. મંદિરના એન્ટ્રી સ્થળ પર પહોંચી ગયેલી બે મહિલામાં હૈદરાબાદ મોજો ટીવીની પત્રકાર કવિતા જક્કલ અને કાર્યકર રિહાના ફાતિમાનો સમાવેશ થાય છે. સબરીમાલા મંદિરના પુજારા મહિલાઓને મંદિરમાં ન આવવા માટેની અપીલ કરી રહ્યા છે. જ્યારે દેખાવકારો સુપ્રીમ કોર્ટના આદેશની સામે મહિલાઓના પ્રવેશને રોકવા માટે દેખાવ કરી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા ઇલાવુંગલ અને સન્નીદાનમમાં સંચારબંધી લાગુ કરી દીધી છે. બે દિવસ માટે કલમ ૧૪૪ પણ લાગ કરવામાં આવી છે.કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને વિરોધ પ્રદર્શનનો દોર આજે યથાવત રીતે જારી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓ મંદિર સુધી પહોંચી શકી નથી. ગઇકાલે ગરૂવારના દિવસે સબરીમાલા સંરક્ષણ સમિતિ દ્વારા આજે ૧૨ કલાકના રાજ્યવ્યાપી બંધની હાકલ કરી હતી. બંધના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. ભાજપ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષધ અને અન્ય કેટલાક સ્થાનિક સંગઠનો દ્વારા બંધને ટેકો આપવામાં આવ્યો હતો. બંધ દરમિયાન વાહનો માર્ગો પર ઓછા દેખાયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મંદિરને મહિલા શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા બાદ પણ દેખાવકારોએ તેમના પ્રવેશને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે. ૨૮મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રથમ વખત સબરીમાલા મંદિરને ખોલવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.સાવચેતીના પગલારૂપે પ્રદેશના નિલ્લકલ, પંપા, એલ્વાકુલમ, સન્નિધનમમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. જેના પરિણામસ્વરૂપે ચારથી વધુ લોકોને એકત્રિત થવાની મંજુરી આપવામાં આવી રહી નથી. ત્રાવણકોર દેવાસ્થાનમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ગોપાલકૃષ્ણને કહ્યુ છે કે સબરીમાલા મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમે કેન્દ્ર સરકાર પાસેથી આ મુદ્દે વટહુકમ લાવવાની માંગ કરી રહ્યા છીએ. બુધવાર અને ગુરૂવારના દિવસે નારાજ દેખાવકારોના ભયથી મહિલાઓને પરત ફરવાની ફરજ પડી હતી. પોલીસને હાલમાં ભારે જહેમત ઉઠાવવાની ફરજ પડી રહી છે. કેટલાક નિષ્ણાંતો માન રહ્યા છે કે સપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વ્યાપક હિંસા ફેલાવવાની દહેશત પણ રહેલી છે. શ્રદ્ધાળુઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને વિરોધ કરી રહ્યા છે. વર્ષો જુની પરંપરામાં વિશ્વાસ રાખતા લોકોની ભાવનાનુ અપમાન કરવામાં આવ્યુ હોવાના આરોપો કરવામાં આવી રહ્યા છે.સબરીમાલા વિવાદ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું છે કે, સંઘ પરિવાર મંદિર પ્રત્યે હમેશા અસહિષ્ણ રહે છે. વિજયને કહ્યું હતું કે, સબરીમાલામાં એક વિશેષતા છે જે બાકી મંદિરો ગુમાવી ચુક્યા છે. તે તમામ ધર્મ અને જાતિના લોકોને પ્રવેશની મંજુરી આપે છે. તેમણે કહ્યું હતું કે, સંઘ પરિવાર અને સંઘ હમેશા આ તથ્યને લઇને અસહિષ્ણુ રહ્યું છે. તેઓ સબરીમાલાના ગુણોને ખતમ કરવાના પ્રયાસ કરી ચુક્યા છે. વિજયને કહ્યું હતું કે, સબરીમાલામાં આદિવાસી સમુદાય દ્વારા અદા કરવામાં આવેલી રસમ રિવાજોને ખતમ કરવામાં સંઘની ભૂમિકા જનસાધારણમાં પ્રચલિત છે. વર્તમાન વિરોધ પ્રદર્શનને આજરીતે જોવામાં આવે છે. સંઘના લોકો હુમલાખોરોને સમર્થન આપી રહ્યા છે ,જેના લીધે લોકોમાં દહેશત ફેલાઈ રહી છે. આ હુમલાખોરો જાતિવાદી અને કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત છે.