સાઈ સમાધિના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શિરડી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને આવાસ આપવાના નામ ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે ચાર વર્ષના ગાળામાં ગરીબોને ઝુંપડપટ્ટીમાંથી બહાર કાઢીને આવાસ આપવાનું કામ કર્યું છે જ્યારે અગાઉ આ પ્રકારના પ્રયાસનો ઉદ્દેશ્ય એક ખાસ પરિવારના નામ ઉપર પ્રચાર કરવાની બાબત વધારે રહેતી હતી. મોદીએ એનડીએ સરકારની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, સાઈધામ આવીને જનસેવાની પ્રેરણા અને ઉત્સાહ મળે છે. પહેલા એક પરિવારના પ્રચાર માટે જ ઘર બનાવવામાં આવતા હતા. મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ઓમ સાઈનાથથી કરી હતી. દેશવાસિયોને વિજ્યાદશમીના અવસરે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, જે રીતે તમામ લોકો પોતાના લોકોની સાથે તહેવાર મનાવવા ઇચ્છુક હોય છે તેવી જ રીતે તેમનો પણ પ્રયાસ રહે છે કે, દરેક તહેવાર દેશાસિયોની વચ્ચે જઇને ઉજવવામાં આવે. લોકોનું સમર્થન તેમને વધુ કામ કરવાની શક્તિ આપે છે.
મોદીએ કહ્યું હતું કે, થોડાક સમય પહેલા જ તેમને સાઇબાબાના દર્શન કરવાની અને તેમના આશીર્વાદ મેળવવાની તક મળી છે. જ્યારે પણ તેઓ તેમના દર્શન કરે છે ત્યારે જનસેવાની ભાવના અને આના માટે પોતાને સમર્પિત કરી દેવાનો ઉત્સાહ મળે છે. મોદીએ કહ્યું હતું કે, શિરડી તાતિયા પાટીલ, માધવરાવ દેશપાંડે અને તુકારામ જેવા મહાપુરુષોની ધરતી છે. સાઈ મહિમા ઉપર મોદીએ કહ્યું હતું કે, તમામના માલિક તરીકે એક જ છે. તેમના આ ચાર શબ્દ સમાજને એક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. સાઈ સમાજના હતા અને સમાજ સાઈ સાથે સંબંધિત છે. તેમણે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. આજે આ પવિત્ર જગ્યા પરથી શિલાન્યાસની વિધિ થઇ છે. આના માટે રાજ્ય સરકાર અભિનંદનને પાત્ર છે. અહીં લોંચ કરવામાં આવેલી યોજનાઓને લઇને મોદીએ કહ્યું હતું કે, સાઈબાબા ટ્રસ્ટ તરફથી મળેલા આ અનેક ભેંટ તરીકે છે. તેમણે કહ્યું હતુ ંકે, રાજ્યના આશરે અઢી લાખ ભાઈ-બહેનોને તેમના આવાસ સોંપીને તેમને ખુબ ખુશી થઇ રહી છે. એક સાથે ગૃહપ્રવેશ કરાવી ગરીબોની સેવા કરવાની બાબત દશેરાની પૂજા જેવી છે. આનાથી કોઇ પૂજા મોટી હોઈ શકે નહીં. આવાસ યોજનાઓને લઇને મોદીએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષના ગાળામાં ગરીબોને ઝુંપડપટ્ટીમાંથી બહાર કાઢીને સારી સુવિધાવાળા આવાસ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, જ્યારે કોઇ યોજનામાં રાજકીય સ્વાર્થના બદલે માત્ર ગરીબ કલ્યાણ હોય છે ત્યારે કામની ગતિ વધી જાય છે. આ બાબત અહીં સાબિત થાય છે. છેલ્લી સરકારે ચાર વર્ષના ૨૫ લાખ ઘર બનાવ્યા હતા જ્યારે તેમની સરકારે ચાર વર્ષના ગાળામાં એક કરોડ ૨૫ લાખ ઘર બનાવ્યા છે. જો આટલા ઘર અગાઉની સરકારને બનાવવાની તક મળી હોત તો ૨૦ વર્ષનો સમય લાગ્યો હતો. તેમની યોજના ૨૦૨૨ સુધી દરેક પરિવારને મજબૂત મકાન આપી દેવાની છે. ઇરાદા સ્પષ્ટ હોવાની સ્થિતિમાં કામ ઝડપથી થાય છે. સંશાધનો સાથે કામ ઝડપથી થાય છે. કામગીરી કરવાનો ઉત્સાહ પણ વધે છે.