વિકાસ પંથે ચાલી રહેલા ભારતમાં સૌથી મોટા પુલનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેની લંબાઇ આશરે ૨૦ કિલોમીટરની રહેશે. આ પુલનું નિર્માણ આસામ અને મેઘાલયને જોડવા માટે કરવામાં આવી રહ્યું છે. જે બ્રહ્મપુત્ર નદી પર બનાવામાં આવશે.
૨૦ કિમોમીટર જેટલો લાંબો ફોર લેન બ્રિજ ૨૦૨૬ થી ૨૦૨૭ સુધીમાં નિર્માણ પામશે. આ પુલને બનાવવામાં આવતી અડચણોને નિવારવા માટે સરકાર દ્વારા રાજ્યમાર્ગ નિર્માણ વિભાગ, નેશનલ હાઇ-વે એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને ફ્રાન્સની મોટી નિર્માણ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ પુલ આસામના ઢુબરી અને મેઘાલયના ફુલવાડીને જોડશે. હાલમાં વાહનો લગભગ ૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને આસામ-મેઘાલયમાં દાખલ થાય છે. તેમજ બન્ને રાજ્યોને જોડતી બ્રહ્મપુત્ર નદીમાં નાની બોટ સેવા ઉપલબ્ધ છે જેમાં આ અંતર કાપતા બે થી અઢી કલાકનો સમય લાગે છે. આ પુલના નિર્માણ પછી નદી પાર કરવામાં માત્ર ૧૫થી ૨૦ મિનિટનો સમય લાગશે.
ભારતમાં અત્યારે સૌથી લાંબો રિવર બ્રિજ ઢોલા-સાદિયા છે જે ૯.૧૫ કિલોમીટર લાંબો છે. જેને સાર્વજનિક ઉપયોગ માટે ગત વર્ષે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પરિવહન મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી મુજબ આ પુલના નિર્માણથી બન્ને રાજ્યો વચ્ચે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે, જે લાંબા ગાળે આસામ અને મેઘાલય માટે સકારાત્મક બાબત છે.