અમેરિકાએ ભારતને સંકેત આપ્યા છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહે એ મુશ્કેલ છે. જો કે તેમની મુશ્કેલી પાછળ તેમના અમેરિકામાંના કેટલાક કાર્યક્રમો અને ટ્રમ્પનું સ્ટેટ ઓફ યુનિયનનું સંબોધન છે, જે ૨૬ જાન્યુઆરી પહેલાં કે એ પછી યોજાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારને અમેરિકાએ સંકેત આપ્યા છે કે ટ્રમ્પના ૨૬ જાન્યુઆરીના સમારોહમાં ભાગ લેવાની સંભાવના ઓછી છે. એ સમારોહ માટે ભારતે ટ્રમ્પને આમંત્રણ આપ્યું હતું.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે નવેમ્બરથી સ્ટેટ ઓફ યુનિયનના સંબોધન સુધી ટ્રમ્પ ઘણા જ વ્યસ્ત રહેશે. સ્ટેટ ઓફ યુનિયન સંબોધન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરફથી કોંગ્રેસ સમક્ષ થતું સંબોધન મુખ્ય પ્રવચન છે. એ પ્રવચનમાં તેઓ આવતા વર્ષે માટે પોતાનો એજન્ડા રજૂ કરે છે અને સાથે જ ઉપલબ્ધિઓની જાણકારી પણ આવે છે.
મધ્યાવધિ ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ૪૩૫ બેઠકોમાંથી દરેક અને સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ૩૪ પર રિપબ્લિકન અને ડેમોક્રેટ ચૂંટણી લડશે. રિપબ્લિકનોની પાસે હજુ બંનેમાં બહુમત છે. ટ્રમ્પ માટે આ ચૂંટણી મહત્વની છે કેમકે તેનાથી અમેરિકાની રાજનીતિમાં ભવિષ્યનો માર્ગ નક્કી થઈ શકે છે.
અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ સ્ટેટ ઓફ યુનિયન સંબોધન છતાં જાન્યુઆરી ૨૦૧૫માં પ્રજાસત્તાક દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો.
સત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પનાં જાન્યુઆરીમાં કેટલાક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ પણ છે. જો કે ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની પાસે આર્જેન્ટિનામાં જી ૨૦ સમિટના દરમિયાન મુલાકાત કરવાની તક છે. મોદીએ પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પાછલથી તે આમંત્રણને બદલીને પ્રજાસત્તાક દિવસ માટે આમંત્રણ કરી નાંખ્યું હતું.