ટીમ ઇન્ડિયા દ્વારા ૨૧ ઓક્ટોબરે રમાવા જઇ રહેલી વેસ્ટઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ માટે ૧૨ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રવિવારે પાંચ મેચોની શ્રેણીની પહેલી વન-ડે મેચ ગુવાહાટીમાં રમાશે.
ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે પરત આવી રહ્યો છે કારણ કે તેણે એશિયા કપમાં બ્રેક લીધો હતો. આ ઉપરાંત, રિષભ પંતને વન-ડેમાં ડેબ્યુ કરવા માટે તક મળશે. તેને એક બેટ્સમેન તરીકે ટીમમાં તક આપવામાં આવી છે જ્યારે વિકેટકીપિંગની જવાબદારી એમએસ ધોનીના હાથમાં હશે.
આ ઉપરાંત એશિયા કપમાં અદભૂત પ્રદર્શનને જોતાં રવિન્દ્ર જાડેજાને પણ પ્રથમ વન-ડેમાં તક આપવામાં આવશે. ઝડપી બોલર ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની પણ મર્યાદિત ઓવર ક્રિકેટમાં વાપસી થઇ રહી છે. આ બંને ઝડપી બોલર રવિવારે કેરિબીયન ટીમની શરૂઆતને બગાડવાનો પ્રયત્ન કરશે.
ટીમ ઇન્ડિયાએ ઓપનિંગની જવાબદારી શિખર ધવન અને રોહિત શર્માને સોંપી છે. મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલને નિરાશાનો સામનો કરવો પડ્યો છે કારણ કે તેને રમવાની તક નથી મળી. ત્રીજા ક્રમે કેપ્ટન કોહલી અને ચોથા ક્રમ પર અંબાતી રાયુડૂ રમશે.