કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને સમાન ન્યાય” ના સુત્રને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકારે વર્ષ ૨૦૧૬ માં ગીર સોમનાથ, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુર અને વર્ષ ૨૦૧૭ માં મહિસાગર જિલ્લાઓને ન્યાયિક જિલ્લા જાહેર કર્યા બાદ આ જિલ્લાઓમાં નવીન કોર્ટ કાર્યરત કરી છે. આ જ રીતે હવે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાંથી નવરચિત મહેસૂલી જિલ્લા બોટાદને ન્યાયિક જિલ્લો જાહેર કરીને આ જિલ્લા ખાતે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તેમ જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશની કોર્ટ સહિતની કોર્ટ આવતીકાલ તા. ૨૧. ૧૦. ૧૮ના રોજથી કાર્યરત થશે. આજે રાજ્યના ન્યાયતંત્ર માટે એક ગૌરવનો દિવસ છે કે રાજ્યનો એક પણ જિલ્લો જિલ્લા કક્ષાની કોર્ટની સુવિધાથી વંચિત નથી. કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે અંદાજીત રૂપિયા ૩૨ કરોડની કિંમતે બનેલી નવીન જિલ્લા અદાલત સહિતની અન્ય કોર્ટ પ્રાપ્ત થતા જિલ્લાના લીટીગન્ટ્સને અગાઉ ભાવનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી ન્યાય મેળવવા ભાવનગર સુધી ૧૦૦ થી ૧રપ કિ.મી. નું અંતર કાપીને જવું પડતું હતું તેના સ્થાને હવે આ લિટિગન્ટ્સને ઘર આંગણે જ ન્યાય મળી રહેતાં તેમની મુસાફરીના સમયમાં અને નાણાંકીય ખર્ચમાં બચત થશે.
અને તેમની હાડમારીમાં ઘટાડો થશે. તેમ જ બોટાદ ખાતે જિલ્લા અને તાલુકા અદાલતો, ખાસ કરીને ગઢડા, બરવાળા, રાણપુર ખાતે અલગ તાલુકા અદાલતો કાર્યરત થતાં કોર્ટ કેસો પડતર છે તે કેસોના નિકાલમાં પણ ઝડપ આવશે. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ન્યાયતંત્ર માટે જે ગતિએ જરુરી ઇન્ફ્રાસ્ટ્રકચર અને નાણાંકીય સહાય રાજય સરકાર આપે છે તે જોતાં, આગામી ટુંક સમયમાં રાજયનો એક પણ તાલુકો કોર્ટની સુવિધાથી વંચિત નહિ રહે.