બુધેલ પાસેના લાખણકા ડેમમાંથી સિંચાઈ અર્થે પાણી છોડવા મુદ્દે ભેદી રાજ રમત રમાઈ રહી હોવાની ફરિયાદ સાથે ખેડુત જિલ્લા કલેકટરને મળવા પહોંચ્યા હતાં.
ભાવનગર શહેરથી થોડા કિલોમીટરના અંતરે લાખણકા ગામ આવેલું છે. બુધેલ નજીકના આ ગામ પાસે લાખણકાડેમ આવેલો છે. જયારે અપુરતો વરસાદ કે અછત જેવી પરિસ્થિતિ સર્જાય તે દરમ્યાન સિંચાઈ વિભાગ દ્વારા ખેત પિયત અર્થે ડેમમાંથી કેનાલ વાટે પાણી છોડવામાં આવે છે. આ વર્ષે પણ બુધેલ, માલણકા સહિત અનેક ગામોના ૬૦૦થી વધુ ખેડુતો આ કેનાલના પાણી પર નિર્ભર હોય થોડા દિવસ પુર્વે કેનાલમાં પાણી છોડવા તંત્રને રજુઆત કરવામાં આવી હતી. જે બાબતે તંત્રએ કેનાલમાં પાણી છોડવાના બદલે નદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. કારણ કે નદી વાટે પાણી છોડાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. કારણ કે નદીનું પાણી વ્યર્થ દરિયામાં વહી જાય છે. જેનો ખેડુતોને કોઈ જ ફાયદો થતો નથી અને છતે પાણીએ ધરતી પુત્રોને હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ બાબતને લઈને ખેડૂતો જિલ્લા કલેકટરને આક્રોશભેર રજુઆત કરી હતી કે સમગ્ર પ્રકરણે રાજકિય રમત રમાઈ રહી છે. તંત્ર જાણી જોઈને નદીમાં પાણી છોડી રહ્યું છે. આથી આ બાબતે ઉચ્ચ તપાસ કરાવવામાં આવે અને કેનાલમાં તાત્કાલ પાણી છોડવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલનની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.