પીએમ મોદીની હત્યાની ધમકીનો સિલસિલો યથાવત, બીજો ઈ-મેલ મળ્યો

875

દિલ્હી પોલીસ કમિશનર (સી.પી.) પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી વાળો એક અન્ય ઇ-મેલ આવ્યો છે. આ પહેલાં પણ કોઈએ સી.પી.ને મેલ મોકલી વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બે ઇ-મેલ પછી દિલ્હી પોલીસમાં અફરાતફરી મચી છે. કેસને ગંભીરતાથી લઇને દિલ્હી પોલીસ સહિત અન્ય એજન્સીઓ તપાસમાં જોડાઇ છે.

તપાસમાં એ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોણ આ પ્રકારના મેલ મોકલી રહ્યું છે? સ્પેશિયલ સેલ મેલ મોકલનારની શોધમાં લાગી છે. સાથે વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત એજન્સીઓને હાઇ એલર્ટ કરવામાં આવી છે. જો કે આ ઈ-મેલ પર દિલ્હી પોલીસ અધિકારીઓ કંઈ પણ જણાવવાથી ઇન્કાર કરી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવો ઇ-મેલ શનિવારે આવ્યો હતો. બે લાઇનમાં મોકલેલા આ મેલમાં જણાવાયું છે કે પાકિસ્તાની ગુપ્ત એજન્સી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાના પ્રયાસમાં છે. તેના માટે આઇએસઆઇએસના આતંકીઓને દિલ્હી જવા રવાના પણ કરવામાં આવ્યા છે.

પ્રથમ કેસમાં ૧૯ સપ્ટેમ્બરે સીપીના સત્તાવાર આઇડી પર મોકલેલા ઈ-મેલમાં મેલ મોકલનારે લખ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં ચૂંટણી દરમિયાન વડાપ્રધાનની હત્યા કરવામાં આવશે. પોલીસ મેલ મોકલનારની ઓળખ માટે આઇપી એડ્રેસ (જે કમ્પ્યુટરથી મેલ મોકલવામાં આવ્યો છે)ની શોધ સાથે, મોકલનારની શોધમાં જોડાઇ છે. બંને કિસ્સામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, જેનાથી ખબર પડી શકે મેલ મોકલનાર કોણ છે અને તેનો હેતુ શું છે?

બીજી તરફ બંને ઘટનાઓ પછી દિલ્હી પોલીસ સતત વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત અધિકારીઓના સંપર્કમાં છે. જાણવા મળી રહ્યું છે કે વડાપ્રધાનની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં પુણે પોલીસને એક પત્ર મળ્યો હતો. તેમાં માઓવાદીઓ દ્વારા વડાપ્રધાનની હત્યાની યોજના બનાવવાની વાત સામે આવી હતી. પત્રમાં લખ્યું હતું કે આગામી ચૂંટણી દરમિયાન રાજીવ ગાંધીની જેમ વડાપ્રધાન મોદીની પણ હત્યા કરાશે.

આ કેસમાં મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ કેસમાં જોડાયેલા લોકો સામેલ હતા તેવી વાત સામે આવી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરીથી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ ધમકી સીધી દિલ્હી પોલીસ કમિશનરને ઇમેલ દ્વારા મોકલવામાં આવે છે, જેના પછી અફરાતફરી મચી છે. એક સપ્તાહની અંદર આ બીજી વખત બન્યું છે જ્યારે વડાપ્રધાન મોદીને આ રીતે ઈ-મેલ મોકલીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોય.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજસ્થાનમાં ઝીકા વાયરસનો આતંક : કેસ સંખ્યા ૧૦૯ થઈ