અમૃતસર ટ્રેન દુર્ઘટના : રેલ્વે જવાબદાર નથી- ચેરમેન લોહાની

989

પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનાના સંદર્ભમાં રેલવેનું કહેવું છે કે પૂતળા દહનને જોવા માટે લોકો ત્યાં પાટા ઉપર એકત્રિત થઈ ગયા હતા. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ અતિક્રમણનો મામલો હતો. આ કાર્યક્રમ માટે રેલવે દ્વારા કોઈ મંજુરી લેવામાં આવી ન હતી અથવા તો રેલવે દ્વારા કોઈ મંજુરી પણ આપવામાં આવી ન હતી.

ટ્રેક ઉપર આટલી મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં ડ્રાઈવર દ્વારા ટ્રેનને નહીં રોકવાના પ્રશ્ન અંગે એક અધિકારીએ કહ્યું હતું કે સ્થળ ઉપર ખૂબ જ ધુમાડાની સ્થિતિ હતી. જેના પરિણામ સ્વરૂપે ટ્રેનના ડ્રાઈવરને કોઈ ચીજો દેખાઈ ન હતી. આ દુર્ઘટનામાં આજ કારણસર મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીએ કહ્યું હતું કે મુખ્ય લાઈનની નજીક દશેરાને લઈને રેલવે વહીવટીતંત્રને કોઈ સૂચના આપવામાં આવી ન હતી. રેલવે ટ્રેકની પાસે લોકો દશેરાને જોવા માટે ઉભા રહ્યા હતા. લોકોને સાવધાન રહેવાની જરૂર હતી. આ કહેવું ખોટુ છે કે રેલવે આ ઘટના માટે જવાબદાર છે. મેન લાઈન હોવાથી સ્પીડને લઈને કોઈ મર્યાદા રહેતી નથી. બીજી બાજુ કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું છે કે રેલવેને આ કાર્યક્રમને લઈને કોઈ માહિતી ન હતી. આના ઉપર રાજનીતિ કરવાની બિલકુલ યોગ્ય નથી. અમારી પ્રાથમિકતા ઘાયલોને મદદ કરવાની રહેલી છે. રેલવેના સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓને દશેરા કાર્યક્રમની માહિતી હતી અને તેમાં એક વરિષ્ઠ મંત્રીના પત્ની પણ ભાગ લેવા પહોંચ્યા હતા. જેથી આ અતિક્રમણનો મામલો છે. સ્થાનિક વહીવટીતંત્રએ આની જવાબદારી લેવી જોઈએ. રેલવે અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે સામ સામે આક્ષેપબાજીનો દોર શરૂ થઈ ગયો છે. બીજી બાજુ રાવણ દહનના કાર્યક્રમના સ્થળને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ટ્રેન દુર્ઘટનાને લઈને શ્રેણીબદ્ધ પ્રશ્નો થઈ રહ્યા છે. રેલવે ટ્રેકની નજીક મેળાનું આયોજન કરવા અને રાવણ દહનની મંજુરીને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. દશેરા કમિટીએ પત્ર જારી કરીને કહ્યું છે કે આયોજનની મંજુરી મળી હતી અને એનઓસી પણ પોલી દ્વારા આપવામાં આવી હતી.

બે દસ્તાવેજો પૈકી એક પોલીસને લખવામાં આવેલા પત્ર અને અન્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા એનઓસીનો મામલો છે. દશેરા સમિતિને રેલવે ટ્રેકની નજીક આયોજનની મંજુરી મળી હતી. આને સાબિત કરવા માટે સમિતિ તરફથી પત્ર જારી કરવામાં આવ્યા છે. રેલવે અને દશેરા કમિટી અને સ્થાનિક વહીવટીતંત્રના લોકો અકસ્માતને લઈને આમને સામને આવી ગયા છે.

 

ટ્રેન દુર્ઘટના : અમરિંદરસિંહ દ્વારા તપાસના થયેલ આદેશ

અમૃતસરના જોડા ફાટક પાસે થયેલી ભીષણ દુર્ઘટના બાદ પંજાબ સરકારે આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના આદેશ જારી કરી દીધા છે. દુર્ઘટના બાદ શનિવારના દિવસે પંજાબ પહોંચેલા મુખ્યમંત્રીએ અહીં રાજકીય મેડિકલ કોલેજમાં ઘાયલો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાને લઈને સરકારની તરફેણ કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા સિંહે કહ્યું હતું કે સમગ્ર મામલા પર આરોપ પ્રતિઆરોપ કરવાથી વધારે જરૂરી બાબત મામલાની તપાસ કરવાની છે. રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવાની છે. અમે પંજાબ સરકાર તરફથી મામલાની મેજિસ્ટ્રેટ તપાસ કરાવવાનો નિર્ણય કરી ચુક્યા છીએ. તપાસ અધિકારીઓને ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે નિર્દેશ જારી કરવામાં આવી ચુક્યા છે.

મીડિયા સાથે વાતચીત કરતા સિંહે કહ્યું હતું કે અમૃતસરમાં થયેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. અમારી સંવેદના પીડિત પરિવારો સાથે જોડાયેલી છે. સરકારે મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની અને ઘાયલ થયેલાલોકોને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘાયલોને હોસ્પિટલમાં મફત સારવાર પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે અકસ્માતમાં મૃત લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. માત્ર નવ લોકોની ઓળખવિધિ બાકી રહી છે. સિંહે કહ્યું હતું કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આ સંદર્ભમાં વધુ માહિતી મળી શકશે. બીજી બાજુ અમૃતસરમાં શુક્રવારે રાત્રે થયેલી દુર્ઘટનાના ૧૬ કલાક બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી અમરિંદરસિંહ અમૃતસર પહોંચ્યા છે. અકસ્માત બાદ દિલ્હીના પ્રવાસ પર પહોંચેલા અમરિંદર આજે સવારે અમૃતસર પહોંચ્યા બાદ ગુરૂ રામદાસજી વિમાની મથકે પહોંચ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સિંહે અમૃતસરના અમનદીપ હોસ્પિટલમાં ઘાયલ લોકો સાથે વાતચીત કરી હતી. અમરિંદરે હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પંજાબ સરકારની સામે જોરદાર નારાબાજી કરવામાં આવી હતી. અમરિંદરે એરપોર્ટ પર બેઠક યોજ્યા બાદ હોસ્પિટલમાં મળવા માટે પહોંચ્યા હતા.

 

ટ્રેન અકસ્માત બાદ પાટાની આસપાસ લાશોના ઢગ થયા

પંજાબના અમૃતસર નજીક ટ્રેન અકસ્માત થયા બાદ ભારે હાહાકાર મચી ગયો હતો. ચારેબાજુ લાશો નજરે પડી રહી હતી. ચારેબાજ ભાગતા લોકો દેખાયા હતા. પોતાના સગા સંબંધીને અન્યો હતાશામાં જોઇ રહ્યા હતા અને શોધી રહ્યા હતા. દુર દુર સુધી ચીસો સંભળાઇ રહી હત. ફટાકડાના અવાજ વચ્ચે થોડાક સમયમાં જ માતમ છવાઇ ગયો હતો. મોત બનીને ટ્રેન લોકોના ઉપરથી પસાર થઇ ગઇ હતી. મિનિટોના ગાળામાં જ કેટલીક જિન્દગી ખતમ થઇ ગઇ  હતી.

ઘટનાસ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાઇ ગયા હતા. કેટલાક લોકોએ કહ્યુ હતુ કે બે ટ્રેનોની અડફેટે લોકો આવી ગયા છે. જો કે આ અહેવાલને સીપીઆરઓ દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. અધિકારીઓના કહેવા મુજબ એ ક્ષેત્રમાં એક ટ્રેન પસાર થઇ હતી. પંજાબ સરકાર અને સંબંધિત વિભાગમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. ઉત્તરીય રેલવેના સીપીઆરઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પુતળુ ૭૦-૮૦ મીટરનુ બનાવવામાં આવ્યુ હતુ. આગ લગાવી દીધા બાદ જ્યારે પુતળુ પડ્યુ ત્યારે ઉપસ્થિત લોકો પૈકી ઘણા લોકો પોતાને બચાવવા માટે રેલવે ટ્રેક પર દોડ પડ્યા હતા. એજ વખતે ટ્રેન પુર ઝડપે અહીંથી પસાર થઇ રહી હતી. જેથી લોકો મોટી સંખ્યામાં ટ્રેનની અડફેટે આવી ગયા હતા.  પંજાબના અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૭૧ ઉપર પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. જૈ પૈકી કેટલાક ગંભીર છે. મોતનો આંકડો વધી શકે છે. ટ્રેન અકસ્માતના મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ કરવામાં આવી ચુક્યો છે.  અમૃતસરમાં ટ્રેન અકસ્માત દરમિયાન રાવણ દહનના ક્રાર્યક્રમમાં લોકો એટલા ખોવાઈ ગયા હતા કે તેમને ટ્રેન અંગે પણ જાણ થઈ ન હતી. દશેરા કમિટીની ભૂલને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. પુરતા પગલાંના આયોજન પણ કમિટી દ્વારા કરવામાં આવ્યા ન હતા. ટ્રેકની નજીક રાવણ દહનના કાર્યક્રમને લઈને પણ પ્રશ્નો ઉભા થઈર હ્યા છે. ટ્રેકની ચારેબાજુ અકસ્માત બાદ લાશો વિખેરાઈ ગઈ હતી. વિડિયોથી સાફ જોઈ શકાય છે કે એકબાજુ રાવણ દહનના કારણે આગની જ્વાળાઓ ઉઠી રહી હતી ત્યારે લોકો પોતે પોતાને બચાવવા ટ્રેકની તરફ ભાગી રહ્યા હતા. બનાવ બાદ મહિલાઓ ચીસો પાડતી નજરે પડી હતી.

મરતા – મરતા અનેકને જીવન આપી ગયો ’રાવણ’

અમૃતસર રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં રાવણનો રોલ નિભાવનારા દલબીર સિંહ પણ છે. જે પોતાની ભુમિકા પુર્ણ થતા ઘરે પરત ફરી રહ્યા હતા. જો કે તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેમનું મોત રામનાં બાણોતી નહી પરંતુ માતેલા સાંઢની જેમ આવી રહેલી ટ્રેનથી થશે. તેમને પોતાનાં ૮ મહિનાનાં પુત્રને મળવાની ઉતાવળ હતી. માં અને પત્ની પણ રાહ જોઇ રહ્યા હતા.  ટ્રેક પાસે જ્યારે તે પહોંચ્યા તો તેમણે જોયું કે લોકો પુતળા દહન જોવામાં મશગુલ છે પરંતુ એક ટ્રેન અત્યંત સ્પીડથી આવી રહી છે. દલબીર બુમો પાડીને લોકોને હટાવવા લાગ્યા હતા. તેમણે ઘણા લોકોને ટ્રેક પરથી ધક્કો મારીને દુર હટાવ્યા હતા. જો કે આ દરમિયાન તેઓ પોતે ટ્રેનની ઝપટે ચડી ગયા હતા.

અકસ્માત બાદ શિવાલા ક્રોસિંગ પર તોડફોડ થઈ

પંજાબના અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી દુર્ઘટના બાદ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. શુક્રવારે રાત્રે વણઓળખાયેલા લોકોએ શિવાલા રેલવે ક્રોસીંગના કેબિન ઉપર હુમલો કર્યો હતો અને ભારે તોડફોડ કરવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ વિગત આપતા કહ્યું હતું કે કેબિનના કાચ તૂટી ગયા હતા. કેબિન મેન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. શિવાલા રેલવે ક્રોસીંગ પર થયેલી તોડફોડના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું હતું.

કે રાજકીય રેલવે પોલીસના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર જશપાલસિંહે કહ્યું હતું કે બારીઓના કાચ તોડી દેવામાં આવ્યા હતા. કેબિનમેન સાથે મારામારી કરાઈ હતી. અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નં.૨૭ની પાસે દહનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેકની નજીક એકત્રિત થયા હતા. આ ગાળા દરમિયાન ટ્રેન પૂર્ણ ગતિથી આવી રહી હતી.

લોકો રાવણ દહનમાં વ્યસ્ત હતા. ફટાકડાઓના અવાજ આવી રહ્યા હતા. જેથી ટ્રેન લોકો પરથી પસાર થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો અડફેટે આવી જતા તેમના મોત થયા હતા. અત્રે નોંધનિય છે કે આ દુર્ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પોતાની ઈઝરાયેલ યાત્રા રદ કરી દીધી છે.

Previous articleભાજપા સાંસદ ભોલા સિંહનું ૮૨ વર્ષે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
Next articleજો પરમાણુ હુમલો થશે તો મારા સૈનિકો તો સ્વર્ગમાં જશે જ પણ દુશ્મનો પણ મરશે