ભાવનગર-પીપળી સુધીનો રસ્તો કે જે ભાવનગરને અમદાવાદ અને વડોદરા સાથે જોડતો મહત્વનો રસ્તો ફોરલેન કરવાનું ૭૪૦ કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડ્યુ. બીજા મહિને રદ્દ કરી નાખ્યું. જ્યારે કાળીયાબીડ વસાહતને રેગ્યુલાઈઝ કરવામાં પણ ભાજપ જુઠાણા ફેલાવતું હોવાના આક્ષેપો આજે ભાવનગર ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે કર્યા હતા અને ભાવનગરને છેતરવાનું ભાજપ બંધ કરે તેમ જણાવેલ.
ભાવનગર-પીપળી ફોરલેન માટે ૧પ-૯ના રોજ ૭૪૦ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું અને ભાજપે વાહવાહી લૂંટી બાદ ર૭-૧૦ના રોજ ટેન્ડર રદ્દ કર્યુ. જ્યારે કાળીયાબીડને રેગ્યુલાઈઝ કરવામાં પણ ભાજપ જુઠાણા ફેલાવતું હોવાનું શક્તિસિંહે જણાવતા કહેલ મહાપાલિકાએ ૧ર-પના રોજ દરખાસ્ત કરેલ. જ્યારે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના અધ્યક્ષસ્થાને કાળીયાબીડ લે-આઉટ પ્લાન અંગે રર ઓગસ્ટે મિટીંગ મળેલ. જેની મીનીટસનો પત્ર રજૂ કરી પર્દાફાશ કરેલ. કાળીયાબીડ રેગ્યુલાઈઝ કરાયાની વાતો કરનાર ભાજપે ખરેખર વસાહતીઓની હાડમારી વધારી છે. જેમાં ડેવલોપરે જે સુવિધા અને ફી ભરવાની હોય તે વસાહતીઓ ઉપર નાખી દેવાય છે. પ્લીન્થ લેતી વખતે અને ટ્રાન્સફર સમયે નાણા ચુકવ્યા હોવા છતાં દસ્તાવેજ વખતે ચકાસણી ફી, ડેવલોપમેન્ટ ચાર્જ, એમીનીટીઝ ફી વગેરે પણ ભરવાની. જ્યારે ૬૬ કેવી લાઈન નીચે આવતા મકાનોનું બાંધકામ રેગ્યુલાઈઝ નહીં થાય, કંસારા આસપાસના મકાનો પણ રેગ્યુલાઈઝ નહીં થાય તેમ જણાવેલ.
જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, કલ્પસર યોજના, ધોલેરા પોર્ટની જાહેરાતો બાદ એક ઈંચ પણ કામ થયું નથી. બંદરો મૃતપાય થયા, આલ્કોકને નુકશાનીમાં નાખી દીધુ, અલંગનો વિકાસ નથી કર્યો, ખેડૂતોને અન્યાય કર્યો હોવા સહિતની વિસ્તૃત માહિતી શક્તિસિંહે આપી હતી.