મુખ્યમંત્રીએ નવરચિત બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદમાં રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાય સંકુલનું લોકાર્પણ રાજ્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ એસ. સુભાષ રેડ્ડી અને કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ વડી અદાલતના ન્યાયાધીશો, બોટાદ-ભાવનગરના વરિષ્ઠ ન્યાયાધીશો અને બન્ને જિલ્લાના વકીલોની ઉપસ્થિતિમાં કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ન્યાયપાલિકામાં વિકેન્દ્રિત વ્યવસ્થા તથા ટેકનોલોજીના વિનિયોગથી ઝડપી ન્યાય દ્વારા લોકોની અપેક્ષાઓ સંતોષીને કાનૂન ક્ષેત્રે ગુજરાત દેશનું માર્ગદર્શક – નવો આદર્શ બનવા સજ્જ બન્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સ્ત્રીઓ-નાની બાળાઓ પરના જાતીય અત્યાચારોની ઘટનાઓ સામે સરકાર સખ્તાઈથી પેશ આવવા સંકલ્પબદ્ધ છે.
આ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી બે જ મહિનામાં તેનો નિકાલ લાવી ગુનેગારોને કડકમાં કડક સજા કરાવી દાખલો બેસાડવો છે. વિજયભાઈ રૂપાણી અદાલતોમાં કેસોના ઝડપી નિકાલથી ‘ઝીરો પેન્ડન્સી’ માટેના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. સુભાષ રેડ્ડીના પ્રો-એક્ટિવ અભિગમની સરાહના કરી હતી. વિજયભાઈ રૂપાણીએ બોટાદની ધરતી ભગવાન સ્વામિનારાયણ, હનુમાનજી મહારાજ અને પાળીયાદની ગાદીની પવિત્ર ભૂમિ છે, તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સ્થાનકો – મંદિરોમાં જે શ્રદ્ધા – આસ્થાથી લોકો આવે છે, તે જ પરિપાટીએ ન્યાયના આ મંદિરમાં પણ સાચો ઝડપી ન્યાય મળવાની શ્રદ્ધા સાથે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં જિલ્લાની ન્યાયપાલિકાએ આગવા વર્ક કલ્ચરથી નવા વાતાવરણ સાથે કાર્યરત રહેવું એ સમયની માંગ છે, એવો અનુરોધ તેમણે કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. સુભાષ રેડ્ડીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉદારતાથી ફંડ ફાળવી ન્યાયતંત્રને મજબૂત બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે ન્યાય તંત્ર સાથે સંકળાયેલ લોકોની જવાબદારી છે કે તેમના માટે ફાળવાયેલ સેવાને સમાજને કેવી રીતે પરત આપી શકાય તે દિશામાં વિચારવું જોઈએ. આ પ્રસંગે બોટાદ તથા ભાવનગર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો તથા કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.