વિધાનસભાની ચૂંટણીનુ બ્લ્યુગલ વાગી ચૂક્યુ છે ત્યારે નેતાઓ મતદારો સુધી પહોંચવા માટે અનેક કિમીયા કરતા હોય છે. રાહુલ ગાંધી જે છાલામાં કાર્યકરોને મળવાના છે તેના એક દિવસ પહેલા જ ભાજપ કિશાન મોરચાના મંત્રીએ કાર્યકરના ઘરે ભોજન લીધુ હતુ. પ્રદેશ મંત્રીએ કહ્યુ કે, ભોજન કરવાથી પારિવારીક સબંધ વિકસે છે અને વધારે નજીક પહોંચી શકાય છે. ચૂંટણી આવતા નેતાઓમાં ભોજન કરવાનો એક પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
સામાન્ય લોકોના ઘરે ભોજન કરવાની શરૂઆત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શરૂ કરી હતી. હાલમાં રાહુલ ગાંધી જોરશોરથી રાજ્યમા સભાઓ ગજવી રહ્યા છે. શનિવારે રાહુલ ગાંધી ચિલોડા અને છાલામાં સભાને સંબોધન કરશે. બિલકુલ તેના એક દિવસ પહેલા તેમને શરૂ કરેલા કાર્યકરના ઘરે જમવાનો ટ્રેન્ડ ભાજપ કિશાન મોરચાના મંત્રીએ અજમાવ્યો હતો. મંત્રી હિતેન્દ્ર પટેલે, જિલ્લા મહામંત્રી નાથુભાઇ ચૌધરી સહિતના હોદ્દેદારોએ છાલામાં રહેતા શક્તિ કેન્દ્રના પ્રમુખ લાલજીભાઇ દેસાઇના ઘરે ભોજન લીધુ હતુ.પટેલે કહ્યુ કે, ભોજન કરવાથી એકબીજા પ્રત્યે આત્મિયતા વધે છે. ભાખરી, શાક, શીરો અને ખીચડીનો સ્વાદ માણ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ સંપર્ક યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. કાર્યકરો અને હોદ્દેદારો ઘેર ઘેર જઇ પ્રચાર કાર્યમાં જોતરાયા છે. જિલ્લામાં પણ પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રચાર કાર્ય હાથ ધરાતાં આયોજનના ભાગ રૂપે છાલા અને શિહોલીમોટીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ લોકસંપર્ક બેઠકનું આયોજન કરાયુ હતુ.