રોડ તુટવાની અનેક ફરિયાદો બાદ તંત્રએ ગાબડા પુરવાના શરૂ કર્યા

776

ગાંધીનગર શહેરનાં સેકટરોનાં આંતરીક માર્ગો તથા સોસાયટીનાં માર્ગોનાં રી-સર્ફેસીંગનાં ૬ માસમાં જ કાકરી ઉડવા લાગતા વ્યાપક રાવ ઉઠી હતી.

કોર્પોરેશનને ફરીયાદો મળવા લાગી હતી. જેના પગલે મેયર દ્વારા માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેરનું પણ ધ્યાને દોરવામાં આવ્યુ હતુ. પરંતુ કોઇ જ તપાસ કે કાર્યવાહી ન કરવામાં આવતા મેયર દ્વારા માર્ગ મકાન વિભાગનાં સચિવને ૧૦ દિવસ પહેલા પત્ર લખીને આ દિશામાં તપાસ કરાવવાની માંગ કરી હતી. તેમ છતા કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નહોતી. દિવ્ય ભાસ્કરમાં રવીવારે તસ્વીરો સાથેનાં રસ્તાનાં સમાચાર પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવી ગયુ હતુ અને ડામરનાં થીગડા મારવા મજુરોને કામે લગાડી દીધા હતા. મહત્વની બાબત એ છે કે મેયર દ્વારા માંગણી કરાઇ હતી કે મહાનગર પાલિકાએ કરોડો રૂપીયા આપ્યા તેની સામે આવી નબળી કામગીરી કેમ? ઇજારેદારો દ્વારા નિયમોનુંસાર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આટલા ઝડપથી રસ્તા બગડી ગયા છે. ત્યારે આ દિશામાં તપાસ કરાવવામાં આવે. પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાકટરો સામે પગલા લેવાને બદલે પંપાળવાની નિતી અપનાવીને ડામર રેડીને ઢાંક પીછોડા શરૂ કરી દીધા છે. નબળી કામગીરી અને કટકી પરનાં ઢાંક પીછોડા કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. માર્ગ મકાન વિભાગને કરોડો રૂપીયા ફાળવવામાં આવે છે પરંતુ તેમનાં દ્વારા કરવામાં આવતી કામગીરી માં યોગ્ય પરીણામ દેખાતુ નથી. સવાલ એવા થઇ રહ્યા છે કે આટલા રૂપીયા આપવા છતા આવી નબળી કામગીરી શા માટે કરવામાં આવે છે કે ૬ મહિનામાં જ બેદરકારી દેખાવા લાગે છે અને બેદરકારી પર કાળો ડામર રેડવો પડે છે?

Previous articleએશિયન ચેમ્પિયન્સ ટ્રોફી : હોકીમાં ભારતે જાપાનને હરાવીને જીતની હેટ્રીક
Next articleબિહારના રાજ્યપાલ અને ઉપમુખ્યમંત્રીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતનું નિમંત્રણ પાઠવ્યું