૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર નહીં કરે. પૂર્વ કેન્દ્રીય વિત્તમંત્રી પી. ચિદંબરમે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતમાં કહ્યું. તેમણે કહ્યું કે રાહુલ જ નહીં કોંગ્રેસ અન્ય કોઇપણ વ્યક્તિની દાવેદારી જાહેર નહીં કરે.કોંગ્રેસ લાંબા સમયથી ક્ષેત્રીય પાર્ટીઓને એકસાથે લાવવાના પ્રયત્નોમાં લાગી છે. જો ક્ષેત્રીય પાર્ટીઓ એકસાથે હશે તો જ ૨૦૧૯માં એક મજબૂત વિપક્ષ તરીકે તેઓ સામે આવી શકે છે. કોંગ્રેસ આ ગઠબંધનનું નેતૃત્વ કરવા માંગે છે પરંતુ આ અંગે ક્ષેત્રીય પાર્ટીઓની રાય અલગ અલગ છે.
ચિદંબરમે કહ્યું, ’અમે ક્યારેય પણ એવું નથી કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માંગે છે. જ્યારે કેટલાક કોંગ્રેસ નેતાઓએ આવી વાત કરી ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિએ આમાં દખલ કરીને તેમને આવી વાતો ન કરવા કહ્યું હતું. અમે બીજેપીને સત્તાથી બહાર કરવા માંગીએ છીએ. અમે એક વૈકલ્પિક સરકાર બનાવવા માંગીએ છીએ. જે પ્રોગ્રેસિવ હોય, વ્યક્તિની આઝાદીનું સન્માન કરે, ટેક્સ ટેરરિઝમને વધારે નહીં, મહિલાઓ અને બાળકોને સુરક્ષા આપે અને ખેડૂતોની સ્થિતિમાં સુધારો કરે.
તેમણે આગળ જણાવતા કહ્યું કે, “અમે એક ગઠબંધન તૈયાર કરવા માંગીએ છીએ. વડાપ્રધાન પદનો નિર્ણય ચૂંટણી પછી ગઠબંધનના બધા સાથી મળીને કરશે.