દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઈમાં ટોચના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ અને ખેંચતાણના અહેવાલોથી પીએમઓ ભારે લાલઘુમ છે. સીબીઆઈમાં ઘમસાણના પરિણામ સ્વરૂપે પીએમઓ દ્વારા હવે ચાંપતી નજર કેન્દ્રિત કરાઈ છે. સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના પર એફઆઈઆર અને સામ સામે આક્ષેપોના લીધે ખળભળાટ મચી ગયો છે. સરકારનું માનવું છે કે જે રીતે ટોપ અધિકારી એકબીજાની સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા બાદ કાર્યવાહી કરવા લાગ્યા છે તેનાથી ખોટા સંદેશા જઈ રહ્યા છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે જે રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેનાથી સરકાર પર ચોંકી ઉઠી છે. નવા કાયદા બાદ અધિકારીઓની સામે કેસ કરતા પહેલા મંજુરી લેવાની બાબત જરૂરી બની ગઈ છે. સીબીઆઈ હાલના સમયે સંકટમાંથી પસાર થઈ રહી છે. સીબીઆઈએ હાલમાં પોતાના જ સ્પેશિયલ ડિરેકટર અને તપાસ સંસ્થામાં નંબર-૨ની સ્થિતિ ધરાવતા રાકેશ અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયાની લાંચ લેવાનો કેસ કરી દીધો છે પરંતુ આ મામલો એકલો નથી. આ કેસથી અલગ આમાં સીબીઆઈના વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે આંતરિક ખેંચતાણની લડાઈનો પણ એન્ગલ છે. સીબીઆઈએ અસ્થાના પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માંસ કારોબારી મોઈન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો છે. અસ્થાનાએ જ કુરેશીની સામે તપાસની જવાબદારી સંભાળી હતી. જ્યારે અસ્થાનાએ તેમના પર મુકવામાં આવેલા આક્ષેપોને ફગાવતા સીધી રીતે સીબીઆઈ વડા ઉપર ફસાવવાના આક્ષેપ કર્યા છે. એમ માનવામાં આવે છે કે બે અધિકારીઓની વચ્ચે પાવર માટે ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે. સૂત્રોના કહેવા મુજબ આ મામલામાં ૧૬મી ઓક્ટોબરના દિવસે એફઆઈઆર દાખલ કરાઈ હતી. મામલાની ગંભીરતાનો અંદાજ આનાથી જ મળી ગયા છે કે આમાં સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના ઉપરાંત ગુપ્તચર સંસ્થા રોના એક સિનિયર અધિકારીનું નામ પણ સામેલ છે. સૂત્રોના કહેવા મુજબ મામલો સપાટી પર આવ્યા બાદ આ કૌભાંડથી જોડાયેલી તપાસમાં રાકેશ અસ્થાને દુર કરવાની પહેલ કરવામાં આવી ચુકી છે.
આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરાઈ રહી છે. અસ્થાનાએ પોતાના ડિરેકટર આલોક વર્માની સામે સરકાર સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સીવીસી દ્વારા મામલામાં તપાસ હાથ ધરાઈ હતી.
કાઉન્ટર પ્રહાર કરતા સીબીઆઈના ડિરેકટરે પણ નંબર બેની સામે ગંભીર આક્ષેપ મુક્યા હતા. મોઈન કુરેશીના મીટ કારોબાર સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં લાંચ લેવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ મામાલમાં પહેલાથી જ સીબીઆઈના બે ડિરેકટર તપાસના ઘેરામાં છે. સીબીઆઈના પૂર્વ ડિરેકટર એપી સિંહના કેટલાક મોબાઈલ સંદેશ પણ ટ્રેક કરવામાં આવી ચુક્યા છે. સીબીઆઈની અંદર ચાલી રહેલા આ મામલાને લઈને ટોપ અધિકારીઓમાં પણ દુવિધાભરી સ્થિતિ ફેલાયેલી છે. ટોપ બે અધિકારીઓના નામ હોવાથી કોઈપણ ટિપ્પણી કરવાથી અન્ય અધિકારીઓ દૂર જઈ રહ્યા છે. આ પ્રકરણ પર સીબીઆઈ દ્વારા હવે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે. હૈદરાબાદના એક બિઝનેસમેન સતિષ બાબુ સનાની ફરિયાદના આધાર ઉપર સીબીઆઈના બીજા નંબરના ટોપ અધિકારી રાકેશ અસ્થાના પર એફઆઈઆરની બાબતમાં આને લઈને દાવો કરાયો હતો કે તેઓએ ત્રણ કરોડ રૂપિયા લાંચ તરીકે લીધા હતા. સનાનું આ નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટની સમક્ષ નોંધવામાં આવ્યું છે.