સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચાવનાર કેરળ નન રેપ કેસમાં મુખ્ય સાક્ષી અને આરોપી બિશપ ફ્રેન્કોની સામે નિવેદન આપનાર ફાધર કુરિયાકોસનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. શંકાસ્પદ સ્થિતિમાં તેમનું મોત થયું છે. આજે જલંધરના ડાસુવા સ્થિત સેન્ટમેરી ચર્ચમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમને ઘણા દિવસથી ધમકીઓ મળી રહી હતી. થોડાક દિવસ પહેલા જ તેમની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
હાલમાં આ બાબત સ્પષ્ટ થઈ નથી કે હત્યા કરવામાં આવી છે કે પછી આપઘાત કરી લેવાનો મામલો છે. જલંધર પોલીસ મામલામાં ઉંડી તપાસ કરી રહી છે. ડાસુવાના ડીએસપી એઆર શર્માએ માહિતી આપતા કહ્યું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયા બાદ જ મોતના કારણને લઈને ખુલાસો થશે. તેમણે કહ્યું હતું કે તેઓ સેન્ટપોલ ચર્ચમાં રહેતા હતા. જ્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. ૬૨ વર્ષીય કુરિયાકોસ મૃત હાલતમાં મળી આવ્યા બાદ તપાસ ચાલી રહી છે. તેમના શરીર ઉપર ઈજાના કોઈ નિશાન મળી આવ્યા નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે તેમને બેડ ઉપર ઘણી વખત ઉલ્ટીઓ થઈ હતી. બ્લડપ્રેશરની ટેબ્લેટ પણ મળી આવી છે. ફાધરના પરિવારના લોકોનું કહેવું છે કે તેમના મોતની પાછળ રેપના આરોપી બિશપ ફ્રેન્કોનો હાથ હોઈ શકે છે. કુરિયાકોસે છેલ્લા દિવસોમાં કેરળ પોલીસની સામે જીજસ મિશનરીને નન સાથે રેપના આરોપમાં બિશપ ફ્રેન્કો સામે નિવેદન કર્યું હતું. કુરિયાકોસના પરિવારના લોકોનું કહેવું છે કે તેમને મૃત્યુને લઈને શંકા છે. એવો આક્ષેપ પણ કરાયો છે કે કુરિયાકોસને ફ્રેન્કોની સામે નિવેદન આપવામાં આવ્યા બાદ મારી નાખવામાં આવ્યા છે. તેમની સામે ધમકીભરેલા ફોન આવ્યા હતા.